રાજકોટ શહેરમાં હવામાનના પલટા અને ચોમાસાની ઋતુ વચ્ચે રોગચાળાએ ગંભીર સ્વરૂપ ધારણ કરીને માથું ઊંચક્યું છે. છેલ્લા એક સપ્તાહના આંકડાઓ દર્શાવે છે કે શહેરમાં મોસમી બીમારીઓના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. આ ટૂંકા ગાળામાં શરદી, ઉધરસ, તાવ તેમજ ઝાડા-ઊલટીના કુલ 2071 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે. વાયરલ ઇન્ફેક્શનના કેસો વધતાં સરકારી અને ખાનગી હોસ્પિટલો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.
મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું જોખમ
વાયરલ તાવ ઉપરાંત શહેરમાં ગંભીર મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારીઓએ પણ પગપેસારો કર્યો છે. મનપાના આરોગ્ય વિભાગના રિપોર્ટ મુજબ આ સપ્તાહ દરમિયાન ટાઈફોઈડ અને ડેન્ગ્યુનો પણ 1-1 કેસ સત્તાવાર રીતે ચોપડે નોંધાયો છે. ચોમાસા દરમિયાન ભરાતા દૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવને કારણે આ રોગો ફેલાવવાનું જોખમ અનેકગણું વધી ગયું છે, જેના કારણે નાગરિકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
