ગુજરાતના મોટાભાગના વિસ્તારના વાતાવરણમાં અચાનક જ ફેરફાર જોવા મળ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, અમરેલી, ગોંડલ, સુરત, નવસારી, તાપી, ડાંગ સહિત અનેક શહેરોમાં મેઘરાજાએ પધરામણી કરી છે. ત્યારે રાજકોટ શહેરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે અને વીજળી પડવાના ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા છે.
જસદણમાં ભારે વરસાદથી પાણી ભરાયા
ત્યારે જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જસદણ, આટકોટ, વીરનગર, જસાપર, પાંચવડા, સાણથલી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જસદણ શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે નગરપાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. બીજી તરફ જસદણ તાલુકાના સાણથલી ગામમાં સારો વરસાદ વરસતા ખેતરમાં વરસાદી પાણી ભરાયા છે. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. નાધુ પીપળીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે. સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
દાહોદમાં વીજળી પડતા પિતા-પુત્રનું મોત
દાહોદના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. વીજળીના કડકા સાથે દાહોદમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વીજળી પડતા 2 લોકોના મોત થયા છે. વીજળી પડવાના કારણે પિતા-પુત્રનું મોત થયું છે. મુવાલિયા ગામે વીજળી પડતા પિતા-પુત્રનું મોત થયું છે અને બે લોકોના મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. 30 વર્ષીય સંજયભાઈ અને 7 વર્ષીય આયુષનું વીજળી પડવાના કારણે મોત થયું છે. બીજી તરફ શહેરમાં ભારે વરસાદને પગલે શહેરના દેસાઈવાડમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે તો શહેરની લીટલ ફ્લાવર સ્કૂલની દિવાલ પણ ધરાશાયી થઈ છે. પવન સાથે આવેલા વરસાદથી અનેક જગ્યાએ ભારે નુકસાની સર્જાઈ છે. ત્યારે સિંગવડ ફોરેસ્ટ ઓફિસના ગેટ પાસે વીજ પોલ તેમજ ઝાડ ધરાશાયી થયું છે.









