શહેરના નવાગામ વિસ્તારમાં આવેલી શક્તિ સોસાયટીની શેરી નંબર 6 માંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે, જ્યાં એક માતાએ પોતાની બે માસૂમ દીકરીઓને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
રાજકોટના નવાગામ વિસ્તારમાં કરુણ ઘટના
મળતી માહિતી મુજબ, 32 વર્ષીય અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ પોતાની 7 વર્ષની દીકરી પ્રિયાંશી અને 5 વર્ષની દીકરી હર્ષિતાને નાયલોનની દોરી વડે ગળે ટૂંપો આપી હત્યા નીપજાવી હતી. આ ભયાનક કૃત્ય કર્યા બાદ અસ્મિતાબેને પણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોતથી આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને ગમગીની છવાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસ સ્ટાફ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.










