રાજકોટવાસીઓ માટે આગામી દિવાળીના તહેવારો ટાણે જ મોટા જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. શહેરની જીવાદોરી સમાન આજી-1 અને ન્યારી-1 ડેમમાં પાણીનો જથ્થો ઝડપથી ઘટી રહ્યો છે અને વર્તમાન સ્થિતિએ શહેરમાં માત્ર 20 દિવસ સુધી જ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ રહ્યો છે. એટલે કે આગામી 10 નવેમ્બર સુધી જ રાજકોટને નિયમિત પાણી મળી શકે તેવી નાજુક સ્થિતિનું નિર્માણ થયું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા 24 દિવસથી સૌની યોજના મારફતે ડેમમાં ઠાલવવામાં આવતું નર્મદાનું પાણી સદંતર બંધ છે. જો તાત્કાલિક ધોરણે નર્મદા નીર શરૂ કરવામાં નહીં આવે, તો દિવાળી પૂર્ણ થતાં જ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આકરો પાણીકાપ ઝીંકવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
આજી અને ન્યારી ડેમમાં તળિયા દેખાવાની સ્થિતિ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દૈનિક ધોરણે લાખો લિટર પાણીનું વિતરણ આજી અને ન્યારી ડેમ મારફતે કરવામાં આવે છે.હાલ બંને મુખ્ય ડેમોમાં પાણીનું સ્તર ઝડપથી ઘટી ગયું છે અને ઉપલબ્ધ સ્ટોક માત્ર 20 દિવસ (આશરે 10 નવેમ્બર સુધી) જ ચાલે તેમ છે.તહેવારોની મોસમમાં ઘરોમાં સાફ-સફાઈ અને ઉજવણીના કારણે પાણીનો વપરાશ સામાન્ય દિવસો કરતાં વધી જતો હોય છે, જેના લીધે જથ્થો અપેક્ષા કરતાં વહેલો ખાલી થવાનું જોખમ છે.
