અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં એક ઘટના સામે આવી છે, જેમાં ધારેશ્વર ગામ નજીક આવેલી ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ચાર યુવાનો ડૂબી ગયા છે. ભારે વરસાદ બાદ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી આ યુવાનો તણાઈ ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજુલામાં નદીમાં 4 યુવાનો ડૂબ્યા
આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં મદદ માટે દોડી આવ્યા હતા. તુરંત જ મામલતદાર અને પોલીસની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતાં વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે તાત્કાલિક કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી છે અને બોટની મદદથી મોટું સર્ચ ઑપરેશન શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.










