અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું ભોજવા ગામ તેની અનોખી અને ઐતિહાસિક લોકસંસ્કૃતિ માટે જાણીતું છે. રક્ષાબંધન એટલે કે બળેવના પવિત્ર પર્વ નિમિત્તે ભોજવા ગામમાં છેલ્લા 200 વર્ષથી પણ વધુ સમયથી 'બળેવ દોડાવવાની' અનોખી પરંપરા ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે રક્ષાબંધને ભાઈ-બહેનના પ્રેમની ઉજવણી થતી હોય છે, પરંતુ ભોજવા ગામમાં આ દિવસ ખેતી અને ગ્રામીણ સંસ્કૃતિને સમર્પિત કરીને ખાસ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે.

હાથબનાવટનું હળ, સુખડીનો પ્રસાદ અને પ્રોત્સાહક ઈનામો

આ પરંપરા મુજબ ગામમાં ખેતીકામ અને પશુપાલન સાથે જોડાયેલા લોકો ઉત્સાહભેર ભાગ લે છે. બળેવ દોડાવવાની આ પ્રક્રિયામાં ભાગ લેનારા અને વિજેતા બનનારાઓને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ આયોજન કરાય છે. જેમાં હાથથી તૈયાર કરવામાં આવેલું અને સાંકેતિક રીતે ખેડ કરી શકાય તેવું સુંદર કાષ્ઠનું (લાકડાનું) હળ ભેટમાં આપવામાં આવે છે. આ સાથે ગામજનોને સુખડીનો પવિત્ર પ્રસાદ અને રોકડ/પ્રોત્સાહક ઈનામો આપી સન્માનિત કરાય છે. આ અનોખો ઉત્સવ જોવા માટે સમગ્ર ગામના અબાલ-વૃદ્ધ સૌ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

ગ્રામીણ એકતા અને ગામના બંને મોટા તળાવોની પવિત્ર વધામણી

બળેવ દોડાવવાની સાથે આ પવિત્ર દિવસે ભોજવા ગામના બંને મોટા તળાવોની વિધિવત રીતે વધામણી પણ કરવામાં આવે છે. ગ્રામજનો એકઠા થઈને જળસંપત્તિ પૂજન કરે છે અને ગામમાં ખેતી સમૃદ્ધ રહે તેમજ જળસંકટ ન આવે તે માટે પ્રાર્થના કરે છે. 200 વર્ષથી અવિરત ચાલી આવતી આ પરંપરા ભોજવા ગામની એકતા, સંસ્કૃતિ અને ખેતી પ્રત્યેના પ્રેમને આજે પણ જીવંત રાખે છે.

આ પણ વાંચો : Vadodara સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી, AAP ધારાસભ્ય ચૈતર વસાવાને બહેને બાંધી રાખડી