ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા 27 જુનના રોજ નિકળશે. નગરચર્ચા કરવા માટે ભગવાનનો રથ સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અને આ જળયાત્રા નિમિત્તે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભાણેજ બનીને ભગવાન જગન્નાથજી આવતીકાલે એટલે કે બુધવારે મોસાળમાં જશે. તો મોસાળમાં ભાણેજનું સ્વાગત કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મોસાળવાસીઓ ભગવાનને આવકારવા આતુર બન્યા છે.
લાંબી શોભાયાત્રા નીકળશે
પહેલીવાર મોસાળમાં 4 કિલોમીટર લાંબી શોભાયાત્રા કાઢવામાં આવશે. વાજતે ગાજતે ભજન કીર્તન ઢોલના તાલે મોસાળવાસીઓ ભાણેજોનું સામૈયું કરશે. સરસપુરના રણછોડરાય મંદિરમાં ભગવાનના સ્વાગતની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંપરા અનુસાર 15 દિવસ મોસાળમાં એટલે કે મામાના ઘરે જગન્નાથજી રહેશે. અને તેમની સેવા કરવામાં આવશે. મોસાળવાસીઓ ભાણેજ બનીને આવેલા ભગવાનને લાડ લડાવી ઉત્સવ મનાવશે. ભગવાનને ભાવતા ભોજન બનાવવામાં આવશે. અને સાથે જ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. રણછોડરાયજી મંદિર ખાતે ભગવાનના મનોરથ તથા રાત્રી ભોજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
વિવિધ કાર્યક્રમોનું આયોજન
ભગવાન જગન્નાથજીના આગમન બાદ શુક્રવારે કેરીનો મનોરથ કરવામાં આવશે. શનિવારે જય દ્વારકાધીશ ભજન મંડળી દ્વારા રાત્રે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવશે. રવિવારે સાંજે ભગવાનન જગન્નાથજીને 56 ભોગનો મનોરથ ધરાવવામાં આવશે. તો 18 જૂનના દિવસે સાંજે મિક્સ ફ્રુટનો મનોરથ ધરાવવામાં આવશે. 21 જૂનના રોજ શનિવારે સાંજે ડ્રાયફ્રુટનો મનોરથ ધરાવવામાં આવશે. 22 જૂનના રોજ રવિવારે સાંજે મામેરાના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવશે. અને 24 જુનના રોજ મગસનો મનોરથ ધરાવવામાં આવશે.









