સાણંદ તાલુકાનાં નળસરોવર રોડ પર માણકોલ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મરાતો હોવાની રાવ સાથે શનિવારે સવારે વાલીઓ શાળા પર એકત્રિત થયા હતા અને શિક્ષક વિરુધ્ધ શાળામાં ફરિયાદ કરી હતી. તેમજ સાણંદ પોલીસ સ્ટેશને શિક્ષક વિરુધ્ધ અરજી આપી કાર્યવાહી કરવા વાલીઓએ માગ કરી છે.
માણકોલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં વાલીઓ શાળાનાં શિક્ષક રાકેશભાઈ લકુમ વિરુધ્ધ ફરિયાદ લઈને શનિવારે સવારે શાળા ખાતે પહોંચ્યા હતા અને તેઓની ફરિયાદ હતી કે રાકેશભાઈ લકુમ દ્વારા વારંવાર તેઓના બાળકોને માર મારવામાં આવે છે તેમજ તેઓ બાળકોની સામે જ સિગારેટ, પાન મસાલા જેવા વ્યસનનું સેવન કરે છે. આ બાબતે ગામનાં વાલીઓ રાઠોડ હર્ષદભાઈ શનાભાઈ, રાઠોડ વિષ્ણુભાઈ ચંદુભાઈ, રાઠોડ પ્રવિણભાઈ મણીલાલ દ્વારા સાણંદ પોલીસ સ્ટેશન ખાતે માણકોલ શાળાનાં શિક્ષક રાકેશભાઈ લકુમ વિરુધ્ધ લેખિત અરજી સુપરત કરીને કાર્યવાહીની માગ કરાઈ છે.










