સાણંદ તાલુકાનાં મોરૈયા ગામે મંગલમ્ શોપીંગ સેન્ટર માં તા.6 ને ગુરુંવારનાં રાત્રીનાં સમયે એક યુવકની પેટ તેમજ ગાળનાં ભાગે તિક્ષ્ણ હથિયાર મારી હત્યા થવા પામી હતી. બનાવની જાણ ચાંગોદર પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્ટાફ, ડીવાયએસપી સાથે તુરંત જ ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી હતી.
પોલીસ ચોપડે નોંધેયેલ બનાવની વિગત એવી છે કે મોરૈયા ગામે મંગલમ શોપીંગ સેન્ટર રૂમ નં.305 માં રહેતા અમરનાથ ધીસનભાઈ નાઈ (ઉં.વર્ષ 40, મુળ રહે-સિતલદુબેકા પુરવા , પો.પીછોરા, તા.જી.સુલતાનપુર, ઉત્તરપ્રદેશ કે જેઓ તેમનાં ભાણા અશોકકુમાર છેદીલાલ શર્મા સાથે રહી ત્યાં જ લલિત હેર કટીંગ સલૂન નામની શોપ ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તા.6ઠ્ઠીએ રાત્રે 8 કલાકે તેઓ પોતાનાં દુકાનેથી ભાણાને બહાર કેસરસીટી જવાનું કહી નિકળ્યાં હતા. ત્યારબાદ ભાણો અશોકકુમાર રાત્રે દુકાન બંધ કરી જમીને 12 વાગ્યા આસપાસ તેની રૂમ પર ગયો તો મામા અમરનાથ દેખાયા ન હતા અને પછી ગેલેરીને ધક્કો મારી ખોલીને જોયું તો અમરનાથની લાશ લોહીલુહાણ હાલતમાં ત્યાં જોવા મળી હતી અને તેમને પેટ તેમજ ગળાનાં ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. જેથી અશોકકુમારે નીચે કરિયાણાની દુકાનાં સીસીટીવી કેમેરામાં જોતા તેમની પાસેની સાવરિયા હેર સલૂન ચલાવતા રમેશભાઈ તેલી(રહે. રાજસ્થાન)નો ભાણો બંસીલાલ મહેરા અમરનાથ સાથે તેમની રૂમ પર રાત્રે 11 કલાકે જતો જોવા મળે છે અને 11-15એ બંસીલાલ મહેરા એકલો દોડતો બહાર આવતો જોવા મળે છે. તથા અમરનાથ ધીનભાઈ પહેલા સવારિયા હેર કટીંગ સલૂનમાં કામ કરતા હતા અને તેને છોડી છેલ્લા અઢી મહિનાથી જ લલિત હેર સલૂનમાં જોડાયા હતા. જેથી તેની દાઝ રાખી અગાઉ પણ બંસીલાલે તેમને જાનથી મારવાની ધમકી આપી હતી. જેને આધારે બંસીલાલ જ અમરનાથની હત્યા કરી નાસી છૂટયો હોવાનું માલુમ પડતા ભાણા અશોક શર્માએ બંસીલાલ મહેરા વિરુધ્ધ પોતાનાં મામા અમરનાથની હત્યાની ફરિયાદ ચાંગોદર પોલીસ ખાતે નોંધાવી હતી. પોલીસે હત્યાની ફરિયાદને લઈને તુરંત જ હત્યારાને શોધી કાઢવાની કવાયત હાથ ધરી હતી.










