સાણંદ પાસેના લોદરીયાળ ગામે પીટાયા પાસે આવેલ ખેતરની ઓરડીમાં રહેતા તેમજ ચાની કંપનીમાં કામ કરતા 35 વર્ષિય યુવકે શુક્રવારે રાત્રે તેની ઓરડીમાં આવેલ યુવતી તેમજ તેની બે વર્ષની માસુમ બાળકીનાં ગળે કટર મારી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે ધસી જઈને તપાસ હાથ ધરી હતી.


લોદરીયાળ ગામનાં પાટીયે આવેલ ખેતરની ઓરડીમાં ભાડેથી 20 દિવસ પહેલા રણછોડભાઈ પોપટભાઈ પરમાર(મુળ રહે. ગલસાણા, તા.ઘંધૂકા) રહેવા આવેલ હતો. જે ચાની કંપનીમાં નોકરી કરતો હતો. શુક્રવારે રણછોડભાઈની ઓરડીમાં ગીતાબેન દિનેશભાઈ વાણીયા(ઉં.વ.35) તેની 2 વર્ષની બાળકી દેવાંશી સાથે આવી હતી. કોઈ અગમ્ય કારણોસર રણછોડભાઈએ ગીતાબેન, દેવાંશીનાં ગળાનાં ભાગે કટરથી હુમલો કરી તે બંન્નેનું મોત નિપજાવ્યું હતું. ત્યારબાદ પોતે પણ હાથની નસ કાપીને આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ શુક્રવારે રાત્રે પોલીસને થતાં પોલીસ ટીમ, ડીવાયએસપી, એફએસએલ, મામલતદાર સહિત ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી તેમજ બનાવની તપાસ હાથ ધરી હતી. જેમાં ઓરડીમાંથી એક 10 પાનાંની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જે પોલીસે કબજે કરી હતી. જેમાં કેટલાક લોકોનાં નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસનાં જણાવ્યા પ્રમાણે સ્યુસાઈડ નોટને આધારે તપાસ કરી કસુરવાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે કે રણછોડભાઈ પરિણીત હતા તેમજ તેનાં પર ભરણપોષણનો કેસ ચાલતો હતો અને મરણ ગયેલ ગીતાબેનનો પણ તેમનાં પતિ સાથે છુટાછેડાનો કેસ ચાલતો હતો. જેથી આ સમગ્ર બનાવમાં પ્રેમપ્રકરણ કારણભૂત હોય તેવી શક્યતાઓ વ્યકત કરાઈ છે.


  • Follow us on: