ઉત્તરાખંડના ઉત્તરકાશી પાસે ગંગોત્રી નેશનલ હાઇવે પર ઇનોવા કાર ઊંડી ખીણમાં ખાબકતાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે 2 મહિલાઓ નદીમાં લાપતા બની છે. અકસ્માતમાં સુરતના દંપતી અને તેમના પુત્રીનું મોત થયું છે તો સાયલાના યુવાન ઘનશ્યામ ઉર્ફે લાલજી પટેલનું પણ કરુણ મોત નીપજ્યું છે. તેમના બહેન કિરણબેન સહિત સુરતની અન્ય એક મહિલા લાપતા હોવાથી એનડીઆરએફ સહિતની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. એક કિશોરને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ચારધામ યાત્રા દરમિયાન કાળનો પંજો
મળતી માહિતી મુજબ, સાયલાના ઘનશ્યામ ઉર્ફે લાલજી પટેલ અને તેમનાં બહેન કિરણબેન સુરતમાં રહેતા સ્નેહીજનો સાથે ઇનોવા કારમાં ચારધામ યાત્રાએ નીકળ્યાં હતાં. આ દરમિયાન ગંગોત્રી નેશનલ હાઇવે પર કાર અચાનક ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઉત્તરકાશીમાં સર્જાયેલા અકસ્માતમાં અશોકભાઈ પટેલ, તેમના પત્ની સુધાબેન પટેલ અને પુત્રી રૂતિકા પટેલનું મોત નિપજ્યું છે. જ્યારે વેદાંતને ગંભીર ઈજા પહોંચી હોય તેની સારવાર ચાલી રહી છે.
