શિનોર પંથકમાં ચાલુ વર્ષે વરસાદ વહેલો આવવાથી છેલ્લા એક માસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખેતીવાડીમાં વાવણી કરવા માટેનો જગતના તાત ખેડૂતોને પૂરતો સમય મળેલ નથી. અને હાલ વરસાદને કારણે ખેતીવાડીમાં વરાપ ન થતા ખેડૂતોમાં ચાલુ વર્ષે વાવણી મોડી થશે અને તેની ખેત ઉત્પાદન પર અસર થતા આર્થિક નુકસાન થવાની ચિંતા સતત સતાવી રહી છે. હાલ જગતનો તાત વિમાસણમાં મૂકાયો છે.


શિનોર પંથકમાં ખેતરમાંથી ગત વર્ષના કપાસ દિવેલા વગેરેના પાકની છેલ્લી વિણી લેવાની વારી હતી. પણ માવઠું થયું હતું. જૂનની શરૂઆતમાં વરસાદ વહેલો આવી જતા ચોમાસું બેસી ગયું અને માંડ માંડ ગત વરસનું ખેત ઉત્પાદન લઈ શક્યાં હતા. છેલ્લો પાક વીણી લીધો હતો. પણ ગત વર્ષનો જુનો પાક કાઢીને નવું વાવેતર કરવા માટેની ખેડૂતોને ખેતરો તૈયાર કરવાની કોઈ તક મળી નથી. ચોમાસ બેસી ગયું અને છેલ્લા એક માસથી અવિરત વરસાદ વરસતા ખેતરો ખેડીને નવીન પાકની વાવણી કરવા માટે કોઈ તક મળી નથી. અવિરત વરસાદને કારણે ખેતરોમાં જુનો પાક હજુ ઉભો છે. ખેતરો ઘાસથી આચ્છાદિત થઈ ગયા છે. ખેતરોમાં વરાપ થતી નથી. તેથી ખેત ઉત્પાદન પર મોટી અસર થવાથી આર્થિક નુકસાન થવાની ચિંતા શિનોર પંથકના ખેડૂતોને સતાવી રહી છે.


  • Follow us on: