અમદાવાદમાં ટૂંક સમયમાં વર્લ્ડ ક્લાસ સ્પાઈન, સ્પોર્ટ્સ ઈન્જરી અને રિહેબિલિટેશન સેન્ટરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આશરે 295 કરોડ રૂપિયાના ખર્ચે આ મેગા પ્રોજેક્ટ સાકાર કરવામાં આવશે. આ સેન્ટર ખેલાડીઓ તેમજ સામાન્ય નાગરિકોને અદ્યતન અને વૈશ્વિક સ્તરની આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.
ગુજરાતમાં જ વિશ્વસ્તરીય સારવાર મળશે
આ પ્રોજેક્ટ હેઠળ સ્પાઈન સંબંધિત ગંભીર સમસ્યાઓ, રમતગમત દરમિયાન થતી ઈજાઓ તેમજ ઈજા બાદની પુનઃસ્થાપન (રીહેબિલિટેશન) માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અત્યાર સુધી આવી સારવાર માટે ખેલાડીઓને દેશના અન્ય રાજ્યો અથવા વિદેશનો સહારો લેવો પડતો હતો, પરંતુ હવે ગુજરાતમાં જ વિશ્વસ્તરીય સારવાર અને નિષ્ણાતોની સેવા મળી શકશે.
રમતગમત ક્ષેત્રે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું અત્યંત જરૂરી
રાજ્ય સરકારનું માનવું છે કે આગામી 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને રમતગમત ક્ષેત્રે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું અત્યંત જરૂરી છે. આ સેન્ટર ખેલાડીઓની ફિટનેસ, ઇજા નિવારણ, સારવાર અને ઝડપી રિકવરી માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સ્પોર્ટ્સ મેડિસિન, ફિઝિયોથેરાપી, ઓર્થોપેડિક સારવાર, સ્પાઇન સર્જરી અને અદ્યતન રિહેબિલિટેશન જેવી સેવાઓ એક જ છત હેઠળ ઉપલબ્ધ થશે. ઉપરાંત, સંશોધન અને તાલીમ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે, જેથી રમતગમત અને આરોગ્ય ક્ષેત્રે નવા નિષ્ણાતો તૈયાર થઈ શકે.
આ પ્રોજેક્ટ સમગ્ર દેશના ખેલાડીઓ માટે પણ લાભદાયી
આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશના ખેલાડીઓ માટે પણ લાભદાયી સાબિત થશે. રાજ્ય સરકારનો સંકલ્પ છે કે ગુજરાતને સ્પોર્ટ્સ મેડિસિન અને સ્પોર્ટ્સ સાયન્સના ક્ષેત્રમાં અગ્રણી હબ તરીકે વિકસાવવામાં આવે. અમદાવાદમાં બનનાર આ વર્લ્ડ ક્લાસ સેન્ટર તે દિશામાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Adipur-Bhuj Rail Projectના ડબલિંગ માટે 493 કરોડ મંજૂર, કચ્છના વિકાસની રફ્તાર વધશે