સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને ખાસ કરીને ગુજરાત માટે એક અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આ પ્રતિષ્ઠિત રમતગમત સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ બોક્સિંગમાં અદભુત દેખાવ કરીને અનેક મેડલો જીતી દેશનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે. એક ઓગસ્ટનો દિવસ ભારતીય રમતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિજેતા રમતવીરોનું મેડલ એનાયત કરી સન્માન
આ વૈશ્વિક ગૌરવશાળી અવસરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વૈશ્વિક મંચ પરથી બોક્સિંગ સ્પર્ધામાં વિજેતા બનેલા ભારતીય રમતવીરોને સ્વહસ્તે મેડલ પ્રદાન કરી સન્માનિત કર્યા હતા. ગ્લાસગો ખાતે યોજાયેલી આ ભવ્ય મેડલ સેરેમની દરમિયાન જ્યારે ભારતીય ખેલાડીઓના ગળામાં મેડલ પહેરાવવામાં આવ્યા, ત્યારે સમગ્ર સ્ટેડિયમ "ભારત માતા કી જય" ના ગુંજતા નારાઓથી ગૂંજી ઊઠ્યું હતું.
"રાષ્ટ્રધ્વજને ઊંચો લહેરાતો જોવો એ અત્યંત રોમાંચક ક્ષણ": હર્ષ સંઘવી
આ ઐતિહાસિક પ્રસંગે આનંદ અને લાગણી વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મંચ પર આપણા ખેલાડીઓને મેડલ પહેરાવવાની અને આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાને સૌથી ઊંચો લહેરાતો જોવાની ક્ષણ અત્યંત ગૌરવપૂર્ણ અને રોમાંચક છે. આપણા ખેલાડીઓની આ સિદ્ધિ માત્ર એક મેડલ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે દેશના કરોડો યુવાનોની અથાક મહેનત, સમર્પણ અને વિજયી જુસ્સાનું જીવંત પ્રતીક છે.
https://www.instagram.com/reel/DbiB2rjj5Nt/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
બોક્સિંગમાં ભારતીય રમતવીરોની સિદ્ધિથી દેશભરમાં ઉત્સાહનો સંચાર
બોક્સિંગ ક્ષેત્રે ભારતીય ખેલાડીઓના આ શાનદાર પ્રદર્શન અને ઐતિહાસિક સિદ્ધિને કારણે દેશના ખૂણે-ખૂણેથી અને ખાસ કરીને ગુજરાતના રમતગમત પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય બોક્સરોના આ જોરદાર પંચે સાબિત કરી દીધું છે કે, વૈશ્વિક રમતોમાં હવે ભારતનો દબદબો સતત વધી રહ્યો છે.
આ પણ વાંચો - CWG 2026 Live : ભારતના ઈશ્વર નારંગની જુડોમાં વિજય સાથે શરૂઆત, ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો