"જો તમારા ઇરાદા મજબૂત હોય તો, તમામ પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવી જાય છે." આ શબ્દો છે ગુજરાતનું ગૌરવ અને સૌથી યુવાન વયે આઈપીએસની પરિક્ષામાં ડંકો વગાડનાર પાલનપુરના યુવક સફિન હસનના.
ઇલેક્ટ્રિશિયન પિતાનો IPS પુત્ર
પાલનપુરમાં એક સામાન્ય પરિવારમાં ઉછરેલ સફિન હસનના પિતા ઇલેક્ટ્રિશિયનનું કામ કરતાં હતા અને માતા ગૃહિણી છે. જાહેર સેવા આયોગની પરીક્ષામાં પ્રથમ પ્રયાસે સમગ્ર ભારતમાં બીજો નંબર લાવનાર સફિન હસન ભારત દેશના એ તમામ યુવાનો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે તેમના માટે સંઘર્ષથી સફળતા સુધીનું એક ઉત્તમ ઉદાહરણ છે. સફિન હસનને નાનપણથી જ ખબર પડી ગઈ હતી કે કોઈ એક પદ પર પહોંચીને લાખો જરૂરિયાતમંદ લોકોની સેવા કરી શકાય છે ત્યારેજ એમણે નક્કી કરી લીધું હતું કે આવનારા ભવિષ્યમાં બનવું છે તો IPS.
પ્રાથમિક શાળામાં અધિકારીનો થયો સંપર્ક
સફિન હસને નાનપણથી જ વિચાર કરી લીધો હતો કે લોકોની સેવા કરવા માટે ઊંચી પદવી મેળવવી પરંતુ આ સપનાંને વધારે શકતી ત્યારે મળી જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા સાફિન હસનનો સંપર્ક એક અધિકારી સાથે થયો અને ત્યાર બાદ આ ક્ષેત્રમાં વધારે આગળ આવવા માટેના એમના સપના વધારે પ્રબળ બન્યા. પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ધોરણ 11-12માં આવતા આવતા સફિન હસને નક્કી કરી લીધું હતું કે જન સેવા કરી શકાય એવીજ નોકરી પ્રાપ્ત કરવી છે.
કોલેજમાં જ IAS-IPS વિશે તમામ રિસર્ચ કરી નાખ્યું
સફિન હસનનો ધોરણ 12 સુધીનો અભ્યાસ એક સામાન્ય સરકારી શાળામાં થયો હતો જ્યાં આ બાળકે સોનેરી સપનાઓ જોઈ લીધા હતા અને મહેનત ચાલુ કરી હતી. ત્યારબાદ કોલેજમાં જ અભ્યાસ દરમિયાન સફિન હસને IAS-IPS વિશે તમામ માહિતી મેળવી લીધી હતી. સફિન હસનના સંઘર્ષથી સફળતા સુધી પહોંચવામાં તેમના માતાપિતાનો મોટો ફાળો રહેલો છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે- 'તેમણે ક્યારેય મને એવું નથી કહ્યું કે અમારે તને ડૉક્ટર કે એન્જિનિયર બનાવવો છે. તારું સપનું પૂરું કરવા તને પૂરો સહયોગ કરશું તું બસ મહેનત કર.'
મુખ્ય પરીક્ષા દરમિયાન થયો અકસ્માત
સફિન હસને તેમની સંઘર્ષ યાત્રા વિશે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ મુખ્ય પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનો અકસ્માત થયો હતો. 9 વાગ્યે પેપર હતું અને 8.30 વાગે સફિનનો અકસ્માત થયો હતો છતાં પણ તેઓએ પરીક્ષા આપી અને તેમાં પ્રથમ પ્રાયસે ઉતીર્ણ થયા. તેઓ આ પરીક્ષામાં પેપર લખવામાં એટલા મગ્ન થઈ ગયા હતા કે તેમને હાથમાં દુખાવો પણ પેપર પત્યા પછી થયો હતો.
સપના માટે બલિદાનો આપવાં પડે છે
સફિન હસન જણાવે છે કે આઈએએસ કે આઈપીએસ બનવા માટે સખત અને સતત મહેનત સાથે પારિવારિક અને સામાજિક બન્ને જગ્યાએ બલિદાનો આપવા પડે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ દરમિયાન તેઓ પરિવાર અને સમાજથી એક વર્ષ માટે દૂર થઈ ગયા હતા અને દિલ્લીમાં તૈયારીઓ કરતાં 14 થી 15 કલાક વાંચતાં હતા. અને આખરે મહેનત રંગ લાવી અને તેમનો પ્રથમ પ્રયત્ન જ છેલ્લો પ્રયત્ન સાબિત થયો.