સુરત શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે બનતા માર્ગોની ગુણવત્તા કેટલી નબળી હોય છે તેનું વધુ એક ઉદાહરણ પાલનપુર વિસ્તારમાંથી સામે આવ્યું છે.પાલનપુરમાં ગૌરવ પથને જોડતા અંદાજે રૂપિયા 11 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આરસીસી રોડ પર માત્ર બે જ વર્ષના ટૂંકા સમયગાળામાં મોટી તિરાડો પડી ગઈ છે.જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ખડા થયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ રોડ હજુ ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ એટલે કે ગેરંટી સમયગાળાની અંદર જ છે છતાં અંદાજે 800 મીટર જેટલો લાંબો આરસીસી રોડ વચ્ચેથી ફાટી ગયો છે.
આરસીસી રોડ વચ્ચેથી ફાટી ગયો
રોડની મધ્યમાં મોટી મોટી તિરાડો પડી જવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર કે જવાબદાર વિભાગ દ્વારા આ મામલે કોઈ જ રિપેરિંગ કામગીરી કે પગલાં ભરવામાં આવ્યા નથી. રોડ વચ્ચેથી ખુલી જવાને કારણે અને તિરાડો પડવાથી વરસાદી પાણી સીધા સોઇલની અંદર પચી રહ્યું છે.જેના કારણે રોડનો નીચેનો બેઝ પણ નબળો પડી જવાની પૂરી શક્યતા છે.આ મામલે ભાજપના જ માજી કોર્પોરેટર ઉષા પટેલ દ્વારા પાલિકા તંત્રમાં લેખિતમાં સખત ફરિયાદ કરવામાં આવી છે.તેમણે આક્ષેપ કર્યો છે કે, અમે અગાઉ પણ ઘણી વખત આ રોડ પર પડેલી તિરાડો અને નબળી કામગીરીને લઈને સત્તાવાળાઓ સમક્ષ લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે પરંતુ મનપા તંત્ર આ બાબતે આંખ આડા કાન કરીને કોઈપણ પ્રકારની કામગીરી કરવા તૈયાર નથી.
