હીરા અને કાપડ નગરી તરીકે જાણીતું સુરત હવે જીએસટી ચોરો અને બોગસ બિલિંગ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયું છે.સુરતના વ્યાપાર જગતમાં અત્યાર સુધીનું સૌથી ચોંકાવનારું અને આંખો પહોળી કરી દે તેવું 2 હજાર કરોડનું બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ સપાટી પર આવતાં સેન્ટ્રલ જીએસટી ઈન્ટેલિજન્સ વિભાગમાં ભૂકંપ આવી ગયો છે.નાના પાયે સ્ક્રૈપનો વેપાર કરતા પાંચ જેટલા સામાન્ય ભંગારવાળાના ખાતામાં અચાનક 2 હજાર કરોડની રકમ જમા થઈ જતાં ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ વડોદરા અને સુરત યુનિટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પેઢીઓનો માત્ર મહોરા તરીકે ઉપયોગ કરાયો

ટેક્સ ઓથોરિટીના પોર્ટલ પર અચાનક એક-બે નહીં પરંતુ 2 હજાર કરોડની શંકાસ્પદ આઈટીસી ટ્રાન્સફર થતાં જ સિસ્ટમમાં લાલબત્તી થઈ ગઈ હતી.રોજેરોજ થોડાક હજારનું ટર્નઓવર કરતા ભંગારિયાઓના ચોપડે અબજો રૂપિયાનો આંકડો જોઈને ખુદ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.ડીજીજીઆઈએ તાબડતોબ દરોડા પાડીને તપાસનો સપાટો બોલાવ્યો છે.પ્રાથમિક પૂછપરછમાં એવો ખુલાસો થયો કે ખુદ તપાસકર્તાઓ પણ માથું ખંજવાળતા રહી ગયા છે.આ સામાન્ય સ્ક્રૈપ ડીલર્સને આ કરોડોના કૌભાંડ વિશે અંધારામાં રાખીને તેમની પેઢીઓનો માત્ર મહોરા તરીકે ઉપયોગ કરાયો હોવાનું સામે આવી રહ્યું છે. 

મણિપુર કનેક્શન અને દેશવ્યાપી રેકેટની ગંધ

બીજી તરફ એવો પણ સવાલ ઊભો થયો છે કે જે પણ વ્યક્તિ પાસે ભંગારના વેપારીઓના જીએસટી નંબરની સાથે બેંક ખાતાની વિગતો હશે તેના દ્વારા જ આ રીતનું કારનામું કરવામાં આવ્યાની શક્યતા નકારી શકાય તેમ નથી.જેથી હાલ તો વિભાગ દ્વારા છેલ્લા કેટલા સમયથી તેઓ દ્વારા વેપાર કરવામાં આવતો હતો અને કોની કોની સાથે વેપાર કરાતો હતો તેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.તપાસમાં સૌથી વિસ્ફોટક ખુલાસો એ થયો છે કે આ માતબર આઈટીસી છેક મણિપુર ખાતે બેઠેલી કોઈ બોગસ પેઢીએ સુરતના વેપારીઓના નામે જમા કરાવી હતી. આ કોઈ સામાન્ય બિલિંગ ફ્રોડ નથી પરંતુ પૂર્વોત્તર રાજ્યોથી લઈને સુરત સુધી ફેલાયેલું આંતરરાજ્ય લેવલનું સંગઠિત કાળો કારોબાર છે. 

અસલી માસ્ટરમાઇન્ડને શોધવા ધમપછાડા

કાગળ પર ઊભી થયેલી બોગસ કંપનીઓએ સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવવા માટે સુરતના નાના વેપારીઓના દસ્તાવેજો અને જીએસટી નંબરનો દુરુપયોગ કર્યો હોવાની પ્રબળ શંકા છે.હાલ સુરતના પાંચેય સ્ક્રૈપ ડીલર્સને ડીજીજીઆઈ કચેરીએ બોલાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે.પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ 2 હજાર કરોડના કૌભાંડ પાછળ પડદા પાછળ બેઠેલા અસલી ખેલાડી કોણ છે?કયા મોટા માથાંઓએ સુરતના ભંગારવાળાના નામે આટલો મોટો ખેલ પાડી દીધો? એજન્સીઓએ ચારેય તરફ ચક્રો ગતિમાન કર્યાં છે અને આ આંતરરાજ્ય સિન્ડિકેટના અસલી સૂત્રધારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું છે.આવનારા દિવસોમાં આ મામલે અનેક મોટા વગદારોના પગ નીચેથી જમીન સરકી જાય તેવા ધડાકા થવાના એંધાણ છે.

આ પણ વાંચોઃ Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું