સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા રચના રોડ પરથી પસાર થતા BRTS રૂટમાં એક વિશાળકાય ભુવો પડવાની ઘટના સામે આવી છે.રસ્તા પર અચાનક ભુવો પડવાના કારણે ત્યાંથી મુસાફરો ભરીને પસાર થઈ રહેલી એક BRTS બસ તેમાં ફસાઈ ગઈ હતી અને બસના પાછળના બંને ટાયર ભુવાની અંદર ઊંડે સુધી ખૂપી ગયા હતા.આ ભુવો આશરે 30 થી 35 ફૂટ ઊંડો અને 45 થી 50 ફૂટ જેટલો પહોળો હોવાનું સામે આવ્યું છે.તંત્રની નબળી કામગીરીથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર,હજુ થોડા સમય પહેલા જ તંત્ર દ્વારા આ જ જગ્યા પર ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી હતી.નબળા કામકાજના કારણે જ્યાં ડ્રેનેજની કામગીરી થઈ હતી તે આખો રસ્તો બેસી ગયો છે અને આ મોટો અકસ્માત સર્જાયો છે.આ ગંભીર બેદરકારી અંગે રોષે ભરાયેલા લોકોએ સુરતના મેયરને પણ રજૂઆત કરી હોવા છતાં તેઓ હજુ સુધી ઘટનાસ્થળની મુલાકાત લેવા સુદ્ધાં ન આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.ચોમાસાની શરૂઆતમાં જ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી જતાં વાહનચાલકોમાં પણ ભયનો માહોલ છે.
