સુરતના સંગ્રામપુરા રિંગ રોડ પર આવેલી જાણીતી ICC બિલ્ડિંગમાં એક અણબનાવ સામે આવ્યો હતો, જ્યાં અચાનક લિફ્ટ ખોટકાઈ જતાં તેમાં 4 લોકો ફસાઈ ગયા હતા. લિફ્ટમાં 3 યુવતીઓ અને 1 યુવક સવાર હતા, જેઓ અચાનક લિફ્ટ બંધ પડી જતાં અંદર અટવાઈ ગયા હતા. ઘટનાને પગલે બિલ્ડિંગમાં હાજર લોકોમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.
નવસારી બજાર ફાયર ટીમે હાથ ધર્યું સફળ રેસ્ક્યૂ
ઘટના અંગેની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવતાં નવસારી બજાર ફાયર સ્ટેશનની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે અત્યંત ગંભીરતા દાખવીને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને માત્ર 20 મિનિટના ટૂંક સમયમાં જ રેસ્ક્યૂ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ લિફ્ટમાંથી તમામ 3 યુવતીઓ અને 1 યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
