સુરત જિલ્લામાં વરસી રહેલા મુસળધાર વરસાદના કારણે કીમ નદી ભયાનક સપાટી વટાવીને અતિ ઉફાન પર આવી ગઈ છે. કીમ નદીના પાણી ફરી વળતાં માંગરોળના મોટી નારોલીથી મોટા બોરસરાને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મોટા બોરસરા વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી જતાં 20થી વધુ લોકો ફસાયા હોવાની માહિતી મળતાં જ સુરત જિલ્લા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે.
માંડવીમાં ગોડધા ડેમ તૂટ્યો: સિંચાઈ યોજના પડી ભાંગી
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વરેહ નદી પર આવેલો અને ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગણાતા ગોડધા ચેકડેમની મુખ્ય વોલ તૂટી જતાં કરોડો લીટર સંગ્રહિત પાણી વહી ગયું છે. ડેમ તૂટી જવાથી 'ગોડધા વડ ઉદવાહન સિંચાઈ યોજના' સંપૂર્ણપણે પડી ભાંગી છે અને લિફ્ટ ઈરિગેશન બંધ થઈ ગયું છે. બારેમાસ સિંચાઈ માટે આ ડેમ પર નિર્ભર રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત માંડવી અને માંગરોળ ઉદવાહન યોજના દ્વારા પૂરૂં પાડવામાં આવતું ખેતી અને પીવાનું પાણી મળવું પણ હવે અત્યંત મુશ્કેલ બન્યું છે.
