સુરત શહેરમાં વધુ એક વખત સ્પીડ કિંગના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે પૂરપાટ ઝડપે દોડતી એક લક્ઝરી કિયા (Kia) કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા કિનારે પાર્ક કરેલી અન્ય ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર માર્યા બાદ કિયા કાર હવામાં ફંગોળાઈને રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. રાત્રિના સનાટામાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.

ફૂલ સ્પીડમાં આવતી કારે ગાડીઓનો કચ્ચરઘાણ વાળ્યો

પ્રત્યક્ષદર્શીઓ અને પ્રાથમિક વિગતો મુજબ, અકસ્માત સર્જનાર કિયા કાર ચાલક ખૂબ જ ફૂલ સ્પીડમાં ગાડી હંકારી રહ્યો હતો. રસ્તા પરથી પસાર થતી વખતે કારની ગતિ મર્યાદા બહાર હોવાને કારણે ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને કાર સીધી જ રોડની સાઈડમાં પાર્ક કરીને મૂકેલી બે કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં પાર્ક કરેલી બંને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું અને કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે અકસ્માત સર્જનાર કાર રસ્તાની વચ્ચે જ ઊંધી વળી ગઈ હતી.

સમગ્ર હૃદયકંપાવનારી ઘટના CCTV કેમેરામાં કેદ

આ ચકચારી અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે કિયા કાર રોકેટ ગતિએ આવીને પાર્ક કરેલી ગાડીઓ સાથે ભટકાય છે અને પલટી ખાઈ જાય છે. સદનસીબે રાત્રિનો સમય હોવાથી રસ્તા પર અન્ય વાહનો કે રાહદારીઓની અવરજવર ઓછી હતી, જેથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો