સુરતના ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની ઋતુ શરૂ થવા છતાં હજુ સુધી સંતોષકારક વરસાદ ન પડતાં જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. કૃષિ પ્રધાન એવા આ પંથકમાં દર વર્ષે આ સમયે વાવણીની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે હજુ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. આકાશમાં માત્ર વાદળોની અવરજવર વચ્ચે ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો હજુ પણ વરસાદ લાંબો સમય ખેંચાશે તો ખેતીના પાકને મોટું નુકસાન થવાની અને વાવણી મોડી થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ધરતીપુત્રોના જીવ અધ્ધર થઈ ગયા છે.
શેરડી ગામમાં મહિલાઓએ ગાયા લોકગીતો
વરસાદ ખેંચાવાના કારણે સર્જાયેલી આ ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે ઓલપાડ તાલુકાના શેરડી ગામમાં કુદરતને રીઝવવા માટે એક અનોખો અને ભક્તિમય પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગામના ખેડૂતો જ્યારે નિરાશ થઈને બેઠા હતા, ત્યારે ગામની અબાલ-વૃદ્ધ મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી. વર્ષો જૂની ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ પરંપરાને જીવંત રાખતા ગામની મહિલાઓએ સાથે મળીને ભગવાન સમક્ષ "મેહુલો" માંગ્યો હતો. મહિલાઓએ માથે કળશ મૂકીને, પરંપરાગત લોકગીતો અને આજીજી કરતા ભજનો ગાઈને મેઘરાજાને ધરતી પર પધારવા માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.













