સુરતના કામરેજ તાલુકામાં આવેલા લસકાણા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. અહીં એક બિલ્ડિંગના ચોથા માળે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું, તે સમયે શ્રમિક યુવક માલસામાન લિફ્ટ મારફતે ઉપર ચઢાવી રહ્યો હતો. સામાન ચઢાવવાની પ્રક્રિયા દરમિયાન અચાનક ટેકનિકલ ખામી કે વાયર તૂટવાના કારણે લિફ્ટ નીચે પટકાઈ હતી. આ અણધારી આફતમાં શ્રમિક યુવક લિફ્ટ નીચે કચડાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ અત્યંત કરુણ મોત નીપજ્યું હતું.
સરથાણા ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ત્વરિત સરથાણા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી સરથાણા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત ઉઠાવીને લિફ્ટ નીચે દબાયેલા યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘટનાને પગલે બાંધકામ સ્થળે અફરાતફરી અને શોકનો માહોલ છવાઈ ગયો હતો.
