સુરતના સચિન GIDCમાં આવેલી એક એલ્યુમિનિયમ ઉત્પાદક કંપનીમાં રાત્રિના સમયે એક અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે. મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ સચિન GIDC વિસ્તારમાં જ રહેતા રવિન્દ્ર રમેશ પાડવી નામના યુવક કંપનીના ત્રીજા માળે કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક નીચે પટકાયા હતા. ત્રીજા માળેથી નીચે પડતાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. દુર્ઘટના સર્જાતાં જ આસપાસના સાથી કર્મચારીઓ અને પરિવારજનો તેને ત્વરિત સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
તહેવાર ટાણે જ પરિવાર પર આભ તૂટી પડ્યું
મૃતક યુવકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જ 3 બહેનોના એકમાત્ર લાડકવાયા ભાઈ રવિન્દ્રનું અકાળે અવસાન થતાં પરિવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. ભાઈના હાથ પર રાખડી બાંધવાના દિવસો પહેલાં જ બહેનોની આંખોમાં આસુ છલકાઈ ગયાં છે અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
