સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા હલધરૂ ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતના તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટરે એક નાગરિક પાસે મકાન આકારણી (હાઉસ એસેસમેન્ટ) ની કામગીરી કરી આપવાના બદલામાં રૂ.7,500ની લાંચની માંગણી કરી હતી. સરકારી સેવાઓ માટે નિયમ મુજબની કામગીરી કરવાને બદલે નાગરિકો પાસેથી ગેરકાયદેસર નાણાં ઉઘરાવવાની આ હરકત સામે અરજદારે જાગરૂકતા દાખવીને સીધો ACBનો સંપર્ક કર્યો હતો.

તલાટી ભરત વાળા અને ઓપરેટર નિખિલ ભાલીયા પકડાયા

ACBની ટીમે મળેલી ફરિયાદના આધારે હલધરૂ ગ્રામ પંચાયત કચેરી ખાતે જાળ બિછાવી હતી. આ છટકામાં તલાટી કમ મંત્રી ભરત વાળા અને તેમની સાથે ફરજ બજાવતો કોમ્પ્યુટર ઓપરેટર નિખિલ ભાલીયા રૂ.7,500ની લાંચની રકમ સ્વીકારતા જ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ACBની ટીમે ઘટનાસ્થળેથી જ બંને આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને તેમની પાસે રહેલી લાંચની રકમ પણ જપ્ત કરી લીધી હતી. આ બનાવથી પંચાયત કચેરી સહિત સમગ્ર પંથકમાં ભારે સસનાટી મચી ગઈ છે.

સુરત જિલ્લામાં લાંચિયા અધિકારીઓ સામે ઝુંબેશ

સુરત જિલ્લામાંથી અવારનવાર લાંચિયા તલાટીઓ પકડાવાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે ACBની આ સફળ કામગીરીથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ફાળ પડી છે. સરકારી કર્મચારીઓ અને તેમના મદદનીશો દ્વારા આ પ્રકારે સામાન્ય જનતા શોષણના ભોગ ન બને તે માટે તંત્રે કડક વલણ અપનાવ્યું છે. પકડાયેલા બંને આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમના અન્ય કામકાજો તથા મિલકતો અંગે પણ વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો