સુરતની હાઈસિક્યોરિટી ગણાતી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ACBની ટીમે એક મોટી અને સફળ ટ્રેપ ગોઠવીને ભ્રષ્ટાચારના ખેલનો પર્દાફાશ કર્યો છે. કેદીને મળવા માટે આવતા મુલાકાતીઓ પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા પડાવવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેલના નિયમ મુજબ સત્તાવાર ફોર્મ ભરવાની લાંબી પ્રક્રિયા અને લાઈનોમાંથી બચાવીને, કોઈપણ કાગળિયા વગર જ સીધી મુલાકાત કરાવી આપવાના બહાને મુલાકાતીઓ પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા 500 થી 1000 સુધીની લાંચ વસૂલવાનું મોટું કારસ્તાન જેલના આસપાસના પરિસરમાં ચાલી રહ્યું હતું.
ચોક્કસ બાતમીના આધારે પ્રતીક સાસનેને ઝડપી પાડ્યો
આ ગેરકાયદેસર ઉઘરાણા અંગે એસીબીને સચોટ બાતમી મળતા લાજપોર જેલ ખાતે એક સુનિયોજિત છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન જેલમાં બંધ એક આરોપીને મળવા આવેલા મુલાકાતી પાસેથી સીધી મુલાકાત ગોઠવી આપવાના અવેજ પેટે રૂપિયા 500 ની લાંચ માંગવામાં આવી હતી. મુલાકાતી પાસેથી લાંચના આ નાણાં સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે ત્રાટકીને પ્રતીક સાસને નામના ઈસમને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. એસીબીના આ ઓપરેશનથી લાજપોર જેલના વહીવટી તંત્ર અને ત્યાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા વચેટિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
