વિદેશ જવાની ઘેલછા ધરાવતા નિર્દોષ નાગરિકોને શિકાર બનાવી લાખો રૂપિયા પડાવતા બોગસ વિઝા એજન્ટો અને ઇમિગ્રેશન કન્સલ્ટન્સીઓનો વધુ એક કાળો ચહેરો સુરતમાં સામે આવ્યો છે. શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે યુનાઇટેડ કિંગડમ (UK) ના વર્ક વિઝા અને ઇમિગ્રેશન સેવાઓ પૂરી પાડવાના નામે રૂપિયા 16.80 લાખની તોતિંગ છેતરપિંડી આચરવામાં આવી છે. મુંબઈ ખાતે કાર્યરત ‘એચીવ ઇન્ટરનેશનલ’ નામની ફર્મના સંચાલકોએ મહિલાને યુ.કે.માં કાયદેસરની નોકરી અને વર્ક પરમિટ અપાવવાની લોભામણી લાલચો આપીને તબક્કાવાર લાખો રૂપિયા પડાવી લીધા હતા. લાંબો સમય વીતવા છતાં વિઝા ન મળતાં અને નાણાં પણ પરત ન અપાતાં ભોગ બનનાર મહિલાએ આખરે અડાજણ પોલીસ સ્ટેશનમાં બંને સંચાલકો વિરુદ્ધ સત્તાવાર ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
યુ.કે. વર્ક વિઝાની લાલચ આપી ₹16.80 લાખ પડાવ્યા
ભોગ બનનાર મહિલા વિદેશ જઈ રોજગારી મેળવવા ઇચ્છતી હોવાથી તેમણે મુંબઈની ‘એચીવ ઇન્ટરનેશનલ’ ફર્મનો સંપર્ક સાધ્યો હતો. પેઢીના સંચાલકો હીના સુરા અને રોહિતસિંગ સોગરાએ મહિલાને યુ.કે.ના વર્ક વિઝા સરળતાથી અને ઝડપથી અપાવી દેવાની મોટી-મોટી બાંહેધરી આપી વિશ્વાસ કેળવ્યો હતો.વિઝા પ્રોસેસિંગ ફી, ડોક્યુમેન્ટેશન, એમ્બેસી ચાર્જીસ અને વર્ક પરમિટ લેટરના બહાના હેઠળ સંચાલકોએ ફરિયાદી મહિલા પાસેથી કટકે-કટકે કુલ ₹16.80 ની તોતિંગ રકમ મેળવી લીધી હતી. નાણાં ચૂકવી દીધા બાદ મહિલા દ્વારા વિઝા અંગે પૂછપરછ કરવામાં આવતાં સંચાલકોએ વારંવાર બહાનાબાજી શરૂ કરી હતી. આખરે વિઝા પણ ન આપ્યા અને નાણાં પણ પરત ન આપી છેતરપિંડી આચરી હોવાનું સ્પષ્ટ થતાં મહિલા પોલીસના દ્વારે પહોંચી હતી.
