સુરતના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોલીસ સાથે સંકળાયેલા અને લાઈઝનિંગનું કામ કરતા એક જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહની જન્મદિવસની પાર્ટીમાં પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી છે. અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી કે.એસ. અવતરણ હોટલમાં આ દારૂ પાર્ટી ચાલુ હતી, જેમાં મોટા-મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સહિત અનેક લોકો સામેલ હતા. મળતી માહિતી મુજબ, ઉદ્યોગપતિ સમીર શાહની બર્થ-ડે પાર્ટીની આડમાં આ દારૂની પાર્ટી યોજાઈ હતી. પોલીસને બાતમી મળતા અલથાણ પોલીસે હોટલ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે દારૂ પીધેલી હાલતમાં તેમજ દારૂની બોટલો સાથે અનેક લોકોને ઝડપી પાડ્યા હતા.
સુરતના ઉદ્યોગપતિએ જન્મદિવસે આપી દારુની પાર્ટી
આ દરમિયાન, દારૂ પાર્ટીમાં હાજર સમીર શાહના પુત્રએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. તેણે ફરજ પર હાજર પોલીસકર્મીઓ સાથે ઉગ્ર ઝપાઝપી કરી હતી અને મગજમારી કરીને સરકારી કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ વધુ ગંભીર બનતા અલથાણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. (PSI) દ્વારા સમીર શાહના પુત્રની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ ધરપકડ બાદ કયા કારણોસર તેને તરત જ છોડી દેવામાં આવ્યો તે અંગે અનેક સવાલો ઊભા થયા છે અને આ મામલો હજુ સુધી રહસ્યના પડદા પાછળ છે.પોલીસે હોટલમાંથી દારૂ, પાર્ટીમાં હાજર લોકોના વાહનો અને દારૂ ભરેલી એક બલેનો કાર જપ્ત કરી હતી. આ ઉપરાંત, હોટલમાં શું ગતિવિધિઓ થઈ હતી તે જાણવા માટે પોલીસે હોટલના ડીવીઆર (DVR) પણ કબ્જે કર્યા છે.










