સુરત શહેરના કરંજ વિસ્તારમાં આવેલા ભરત નગરમાં જાહેર રસ્તા પર મોટી માત્રામાં પ્લાસ્ટિકનો કચરો ઠાલવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. આ બેદરકારીને કારણે માત્ર પ્રદૂષણ જ નહીં, પરંતુ એક ગંભીર અકસ્માતનો ખતરો પણ ઊભો થયો હતો, જ્યારે અજાણ્યા ઈસમે આ પ્લાસ્ટિકના ઢગલાને આગ ચાંપી દીધી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ભરત નગરના રસ્તા પર ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકનો વેસ્ટ મોટી માત્રામાં ઠાલવવામાં આવ્યો હતો. પ્લાસ્ટિકના આ ઢગલે ઢગલા રસ્તા પર પડ્યા હોવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


સુરતના કરંજ વિસ્તારમાં આગની ઘટના 

સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે કોઈ અજાણ્યા ઈસમે આ પ્લાસ્ટિકના ઢગલામાં આગ ચાંપી દીધી. પ્લાસ્ટિકના કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. જોકે, સદનસીબે મોટી જાનહાનિ થતાં ટળી ગઈ હતી.આ સમગ્ર ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકા (SMC)ની કચરાના નિકાલ અને સફાઈની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. સવાલ એ છે કે, શહેરી વિસ્તારમાં રસ્તા પર આટલી મોટી માત્રામાં જોખમી પ્લાસ્ટિક વેસ્ટ કેવી રીતે ઠલવાયો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગોની આ મામલે કેમ નજર ન પડી?

રસ્તા પર ઠલવાયો હતો પ્લાસ્ટિક વેસ્ટ 

આ ઘટનાની ગંભીરતામાં વધારો કરતી બાબત એ છે કે, જે સ્થળે આ પ્લાસ્ટિક વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો, તેની બરાબર બાજુમાં જ એક સરકારી શાળા (Government School) આવેલી છે. જો આગ વધુ વિકરાળ બની હોત અથવા બાળકો શાળામાં હાજર હોત, તો કોઈ મોટી જાનહાનિ થવાની સંભાવના હતી. સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, જો આ ઘટનામાં કોઈ મોટો અકસ્માત થયો હોત કે નિર્દોષ લોકો કે બાળકોને નુકસાન થયું હોત, તો તેની જવાબદારી કોની ગણાત? પાલિકાએ તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર કચરો ઠાલવનારાઓ સામે કડક પગલાં લેવા અને જાહેર માર્ગો પર સલામતીના ધારાધોરણો જાળવવા માંગ કરવામાં આવી છે.

  • Follow us on: