સુરત શહેરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ હળવી થતાં જ હવે રોગચાળો ફાટી ન નીકળે તે માટે સુરત મહાનગરપાલિકા (SMC) ના આરોગ્ય વિભાગે કમર કસી છે. મનપા દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ અને આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરીજનોના સ્વાસ્થ્યની સુખાકારી માટે તંત્ર દ્વારા ઠેર-ઠેર ખાસ મેડિકલ કેમ્પ અને મોટા પાયે સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

લાખો ઘરોમાં સર્વેલન્સ અને ક્લોરિન-ORS નું વિતરણ

વરસાદી માહોલ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો અટકાવવા માટે અત્યાર સુધીમાં શહેરના આશરે 1.67 લાખ ઘરોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. રોગચાળા સામે રક્ષણ મેળવવા માટે મનપાની ટીમો દ્વારા 2.22 લાખ લોકોને ક્લોરિન ટેબ્લેટ અને 53 હજારથી વધુ લોકોને ઓઆરએસ (ORS) ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. પીવાના પાણીના શુદ્ધિકરણ અને કટોકટીના સમયે ઓઆરએસ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

મેડિકલ કેમ્પમાં નાગરિકોની તપાસ અને સફાઈ અભિયાન તેજ

શહેરમાં અલગ-અલગ જગ્યાએ યોજાયેલા 15 જેટલા ખાસ મેડિકલ કેમ્પ દ્વારા 1,293થી વધુ નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે, જેમાંથી 1,226 જેટલા સામાન્ય દર્દીઓને સ્થળ પર જ જરૂરી દવાઓ આપી સારવાર કરવામાં આવી છે. બીજી તરફ, ગંદકી દૂર કરવા માટે છેલ્લા 5 દિવસમાં રેકોર્ડબ્રેક 9,718 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ મહાઅભિયાનમાં 10,000થી વધુ સફાઈ કર્મચારીઓ, 120થી વધુ જેસીબી (JCB) અને 250થી વધુ વાહનો રાત-દિવસ કાર્યરત છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો