સુરત શહેરમાં શ્રમિક અને નાના બાળકો ધરાવતા પરિવારો માટે લાલબત્તી સમાન અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભરી દુર્ઘટના સામે આવી છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં નિર્માણાધીન સાઇટ પર રમી રહેલા બે માસૂમ બાળકો લિફ્ટ માટે ખોદવામાં આવેલા પાણીથી ભરેલા ઊંડા ખાડામાં ખાબક્યા હતા. પાણીમાં ડૂબી જવાથી ૩ વર્ષના બાળક અને ૨ વર્ષની બાળકી બંનેનાં કરૂણ મોત નિપજ્યાં છે. સાંજના સુમારે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
માતા-પિતા મજૂરીમાં વ્યસ્ત હતા અને માસૂમો રમી રહ્યા હતા
હૃદય કંપાવી દેતી આ ઘટનાની વિગતો અનુસાર ભેસ્તાન સ્થિત ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કના પ્લોટ નંબર 41 થી 43 માં બાંધકામની કામગીરી ચાલી રહી છે.અહીં એક શ્રમિક પરિવાર દિવસભર પેટનો ખાડો પૂરવા મજૂરીકામ કરી રહ્યો હતો. સાંજના સમયે માતા-પિતા પોતાની સાઇટ પર મજૂરીકામમાં વ્યસ્ત હતા, ત્યારે તેમના બે માસૂમ બાળકો 3 વર્ષીય અલ્કેશ કટારા અને ૨ વર્ષીય રીટા કટારા સાઇટ પર આસપાસ રમી રહ્યા હતા.
સાંજે 6:30 વાગ્યે પાણી ભરેલા લિફ્ટના ખાડામાં ખાબક્યા
રમતાં રમતાં બંને માસૂમ બાળકો મોત તરફ દોડી ગયા હતા.સાઇટ પર લિફ્ટ ઇન્સ્ટોલ કરવા માટે મોટો ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો, જેમાં પાણી ભરાયેલું હતું. સાંજ આશરે 6:30 વાગ્યાની આસપાસ રમતાં-રમતાં બંને માસૂમ બાળકો અચાનક અંધારા કે અસંતુલનને કારણે પાણીથી તરબોળ આ ખાડામાં પટકાયા હતા.ઘણો સમય સુધી બાળકો ન દેખાતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી, જ્યાં આખરે લિફ્ટના ખાડામાંથી બંને માસૂમો નિશ્ચેત હાલતમાં મળી આવ્યા હતા.
નવી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ ખસેડાયા
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકોને બહાર કાઢ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. બંને માસૂમ બાળકોને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ અલ્કેશ અને રીટાને મૃત જાહેર કર્યા હતા.બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.આ મામલે ભેસ્તાન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર લિફ્ટના ખાડાની આસપાસ સુરક્ષા ફેન્સિંગ કે ઢાંકણું હતું કે નહીં અને બિલ્ડર/કોન્ટ્રાક્ટરની કોઈ ગંભીર બેદરકારી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો: Rajkot: દીવાલ 4 ફૂટ ઊંચી અને બાળકી 3 ફૂટની હોવાથી ખૂલ્યો માતાનો ભાંડો, બીજા લગ્નમાં નડતરરૂપ લાગતાં દીકરીને 5મા માળેથી નીચે ફેંકી દીધી