સુરતના સહારા દરવાજા વિસ્તારમાં બ્લુ બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, બસના એન્જિનના શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બ્લુ બીઆરટીએસ બસ બળીને ખાખ થઈ ગઈ હતી. અચાનક લાગેલી આગ અને ધુમાડાના ગોટેગોટાના કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સ્થિતિ પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવ્યું હતું.
ડ્રાઇવરની સમયસૂચકતાથી ટળી મોટી જાનહાની
આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. બસમાં આગ લાગતા જ ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બસમાં સવાર તમામ મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી લીધા હતા. ડ્રાઇવરની ત્વરિત કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને તમામ મુસાફરો સુરક્ષિત બચ્યા હતા. મુસાફરોને સમયસર બહાર કાઢી લેવામાં આવતા એક મોટો અકસ્માત નિવારી શકાયો છે.
