સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાળાસરી ગામે નિર્માણધીન સ્વામિનારાયણ મંદિરમાં કામ કરતા ૧૮ વર્ષીય શ્રમિક સાથે કાળજું કંપાવી દેનારી ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. સેન્ટિંગ કામ દરમિયાન સંતુલન ગુમાવતાં પહેલા માળેથી નીચે પટકાયેલા યુવકના માથા અને આંખની આરપાર લોખંડનો જાડો સળિયો ઘૂસી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયેલા આ યુવકની ન્યુરોસર્જન અને જનરલ સર્જન સહિતના નિષ્ણાત તબીબોની ટીમે મોડી રાત્રે ૩ થી ૪ કલાક સુધી અત્યંત જોખમી અને જટિલ સર્જરી કરી ખોપરી ખોલીને સળિયો સફળતાપૂર્વક બહાર કાઢ્યો છે. જોકે, આ કેસ મેડિકલ સાયન્સમાં 'એક્સ્ટ્રીમલી રેર' હોવાથી દર્દીને હાલ આઈસીયુ (ICU) માં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે અને તેની સ્થિતિ હજુ પણ નાજુક ગણાવાઈ રહી છે.
સેન્ટિંગ કામ વખતે સંતુલન બગડ્યું ને સળિયા પર પટકાયો
બારડોલીના બાળાસરી ગામે સ્વામિનારાયણ મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું, જ્યાં 18 વર્ષીય આદિવાસી શ્રમિક કિરણ ડામોર સેન્ટિંગ કામ કરી રહ્યો હતો. કામ કરતી વખતે અચાનક પગ લપસતાં કે સંતુલન બગડતાં તે સીધો પહેલા માળેથી નીચે જમીન પર પટકાયો હતો.નીચે પટકાતાં જ ત્યાં ઉભો રહેલો એક તીક્ષ્ણ લોખંડનો સળિયો તેની આંખની બાજુમાંથી પ્રવેશીને ખોપરી ચીરી માથાની આરપાર નીકળી ગયો હતો, જ્યારે બીજો સળિયો તેના ડાબા હાથમાં ઊંડે સુધી ખૂંપી ગયો હતો.આ ભયાનક દ્રશ્ય જોઈ મંદિર પરિસરમાં કામ કરતા અન્ય શ્રમિકોમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી.
