રાજ્યમાં સીઝનલ ફ્લૂ અને H1N1 ના કેસોના નિયંત્રણ સંદર્ભે આરોગ્ય મંત્રી દ્વારા આપવામાં આવેલી કડક ટકોર અને સૂચનાઓ બાદ સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલ પ્રશાસન દ્વારા આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે.

રાજ્યમાં સીઝનલ ફ્લૂ અને H1N1 ના કેસ

સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. આઇસોલેશન વોર્ડથી લઈને તમામ ઈમરજન્સી મેડિકલ સાધનોની ચકાસણી કરી લેવામાં આવી છે.સુરત સિવિલ હોસ્પિટલના તબીબી સુપ્રિટેન્ડન્ટ અને તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ મુજબ, દર્દીઓ માટે જરૂરી વેન્ટિલેટર તેમજ H1N1 ની ગંભીર સ્થિતિમાં વપરાતી તમામ જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક કરી દેવાયો છે.

હોસ્પિટલના 5 અલગ-અલગ વોર્ડમાં સ્પેશિયલ બેડ

H1N1 ના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સિવિલ હોસ્પિટલના 5 અલગ-અલગ વોર્ડમાં સ્પેશિયલ બેડ ફાળવવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે હાલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં H1N1 નો એક પણ દર્દી દાખલ નથી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.દર્દીઓ ન હોવા છતાં આરોગ્ય વિભાગ અને હોસ્પિટલના તબીબો તથા પેરામેડિકલ સ્ટાફને ખડા પગે રહેવા અને કોઈપણ લક્ષણ ધરાવતા દર્દીઓનું તાત્કાલિક સ્ક્રિનિંગ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Vadodara: ભાયલી સામુહિક દુષ્કર્મ કેસમાં 31 ઓગસ્ટે સજા સંભળાવાશે, સરકારી વકીલે માગી ફાંસીની સજા