દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એવી સુરતની નવી સિવિલ હોસ્પિટલે દર્દીઓની સુવિધા અને આરોગ્ય સેવાઓને વધુ આધુનિક બનાવવા માટે એક અત્યંત સરાહનીય અને લોકઉપયોગી પહેલ શરૂ કરી છે. હવેથી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને એક્સ-રે અને સીટી સ્કેન (CT Scan) જેવા મહત્વના અને જટિલ મેડિકલ રિપોર્ટ મેળવવા માટે હોસ્પિટલના ચક્કર લગાવવામાંથી કાયમ માટે મુક્તિ મળી ગઈ છે. તંત્ર દ્વારા લેવાયેલા આ ડિજિટલ નિર્ણયથી હજારો દર્દીઓને મોટી રાહત મળશે.
વોટ્સએપ પર જ મળી રહેશે એક્સ-રે અને સીટી સ્કેન રિપોર્ટ
નવી વ્યવસ્થા મુજબ, દર્દીઓના એક્સ-રે અને સીટી સ્કેન જેવા મહત્વના રિપોર્ટ હવે સીધા તેમના મોબાઈલ નંબર પર વોટ્સએપ (WhatsApp) મારફતે જ મોકલી આપવામાં આવશે. આ ડિજિટલ વ્યવસ્થા શરૂ થવાથી દર્દીઓ અને તેમના પરિવારજનોને રિપોર્ટ મેળવવા માટે વારંવાર હોસ્પિટલ દોડી આવવાની કે પછી લાંબી-લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહેવાની કોઈ જ જરૂર નહીં પડે.

