સુરત મેયરને ગંદકીના ભજીયા માટે આમંત્રણ આપનાર વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં મનપા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ખાડીમાં એન્ટીલાર્વલ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 300 મીટર ખાડી વિસ્તારમાં ડ્રોનથી દવાનો છંટકાવ પણ કરાયો છે. સ્થાનિક વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અને પાણી ભરાઈ રહેવાની સમસ્યાને કારણે ફેલાઈ શકતા રોગચાળાને અટકાવવા માટે આ ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે.
30 સોસાયટીમાં 12,858 ઘરોનો સર્વે, 14 તાવના કેસ મળ્યા
આ કામગીરી હેઠળ કુલ 30 સોસાયટીઓમાં 130 હેલ્થ વર્કર દ્વારા 12,858 ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને સ્થિતિની ચકાસણી કરવામાં આવી હતી. સર્વે દરમિયાન 14 તાવના કેસ મળી આવ્યા હતા અને 148 લોહીના નમૂના પણ લેવામાં આવ્યા હતા. તાવના કેસો અને લોહીના નમૂનાઓના આધારે જરૂરી તબીબી તપાસ અને સારવારની પ્રક્રિયા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
