સુરત જિલ્લામાં ખાતરની અછત અને તેના વધતા ભાવના મુદ્દે કોંગ્રેસ કાર્યકરો દ્વારા માંગરોળ મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ મામલે તાત્કાલિક નિરાકરણ લાવવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોને હાલ ખાતરની તીવ્ર અછતનો સામનો કરવો પડતો હતો. જેના કારણે તેમના પાક પર ગંભીર અસર થવાની શક્યતા રહેલી છે.


ખાતરના ભાવમાં વધારો અટકાવવા માંગ 

તદુપરાંત ખાતરના ભાવોમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જે ખેડૂતોના આર્થિક બોજમાં વધારો કરી રહ્યો છે. આ બંને મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરવા માટે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના આવેદનપત્રમાં ખાતરની અછતને તાત્કાલિક દૂર કરવા તેમજ ખાતરના ભાવમાં વધારો અટકાવવા અને ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી હતી.

સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

સાથે જ કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મામલો માત્ર કોંગ્રેસ કે સરકાર વચ્ચેનો રાજકીય મુદ્દો નથી પરંતુ હજારો ખેડૂતોના જીવન અને પાક સાથે જોડાયેલો છે. જો સમયસર ખાતર નહીં મળે તો ખેતીના ઉત્પાદન પર નકારાત્મક અસર પડી શકે છે.


  • Follow us on: