ગુજરાતમાં લોકોના આરોગ્ય ખેલ ખેલી રહેલા ડિગ્રી વિનાના બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં ખુદ મંત્રી દ્વારા જ એક કાર્યક્રમમાં એક નકલી ડોક્ટરનું સન્માન થતાં સવાલો ઉભા થયાં છે. સુરત શહેરમાં આયોજિત વંદે આયુકોન-3 કાર્યક્રમમાં એક બોગસ ડોક્ટરનું રાજ્યકક્ષાના મંત્રીની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવતાં વિવાદ સર્જાયો છે.ભૂતકાળમાં નકલી ડોક્ટર તરીકે ઝડપાયેલા વ્યક્તિને આયુર્વેદ સેવા રત્ન એવોર્ડથી નવાજવામાં આવતાં સમગ્ર આયુર્વેદિક તબીબી ક્ષેત્રમાં અસંતોષની લાગણી ફરી વળી છે.

નકલી ડોક્ટરને સેવા રત્ન એવોર્ડ અપાયો

મળતી વિગતો મુજબ રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયાની ખાસ ઉપસ્થિતિમાં આયોજિત આ સમારંભમાં જે વ્યક્તિને આયુર્વેદ સેવા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.તેની અગાઉ નવસારી એસઓજી પોલીસ દ્વારા નકલી ડોક્ટર તરીકે ધરપકડ કરવામાં આવી હતી.આ અગાઉ તેની ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ તેની ડિગ્રી પણ પરત ખેંચી લેવામાં આવી હતી.આવા ગુનાહિત ભૂતકાળ ધરાવતા બોગસ ડોક્ટરને પ્રતિષ્ઠિત એવોર્ડ આપવાના નિર્ણય સામે વ્યાપક વિરોધ શરૂ થયો છે. આ ઘટના સામે આવતાં જ 57થી વધુ માન્યતાપ્રાપ્ત આયુર્વેદિક તબીબોએ એકસૂરે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.તબીબી આલમ દ્વારા આ મામલે નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન સમક્ષ લેખિતમાં સત્તાવાર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. 

સાચા અને નિષ્ઠાવાન ડોક્ટરોની છબી ખરડાય છે

તબીબોએ આક્ષેપ કર્યો છે કે આવા કિસ્સાઓથી સાચા અને નિષ્ઠાવાન ડોક્ટરોની છબી ખરડાય છે અને તબીબી ક્ષેત્રની ગરિમાને મોટો ધક્કો પહોંચે છે. બીજી તરફ વિવાદ વધતાં સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા આ મામલે સ્પષ્ટતા આપતું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.અમે આ આખી બાબત અને આયોજિત વ્યક્તિના ભૂતકાળથી તદ્દન અજાણ હતા. તેમણે વધુમાં ખુલાસો કર્યો હતો કે આ એક જોઈન્ટ વેન્ચર કાર્યક્રમ હતો.જેના કારણે એવોર્ડ વિજેતાઓની પસંદગી પ્રક્રિયામાં ચકાસણીની ચુક રહી ગઈ હોઈ શકે છે.સુરતમાં બોગસ ડોક્ટરના સન્માન મામલે વિવાદ વકરતા સુરત ચેમ્બર ઓફ કોમર્સે સ્પષ્ટતા કરી છે કે ડૉ.જીગ્નેશના આગ્રહને કારણે આ સહકાર આપવામાં આવ્યો હતો, પરંતુ વિવાદ વધુ વધતાં ઘટનાના બીજા જ દિવસે તે એવોર્ડ પરત લેવામાં આવ્યો હતો અને આ સંદર્ભે આયોજક ડૉ.જીગ્નેશ સાથે બેઠક યોજીને સમગ્ર મુદ્દે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી છે.હાલમાં આ મુદ્દો સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ