સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે છઠપૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે હાજરી આપી હતી. પૂર્વાંચલવાસીઓ દ્વારા આયોજિત આ પૂજામાં પાટીલે માતાજીના આશીર્વાદ લીધા હતા.


સુરતમાં છઠપૂજામાં સી.આર.પાટીલની હાજરી

આ પ્રસંગે પાટીલે છઠપૂજાના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ પૂજા ખૂબ જ કઠિન હોય છે, જેમાં મહિલાઓ ૩૬ કલાક સુધી ઉપવાસ રાખીને છઠ્ઠી માતાજીને પ્રસાદ સ્વરૂપે દૂધની ખીર ચઢાવે છે.સાથે જ, તેમણે બિહારની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વખતે બિહારમાં ૧૦મી વખત નીતીશકુમારની (NDAની) સરકાર બનવા જઈ રહી છે."

બિહાર ચૂંટણીને લઇને સી.આર પાટીલનું નિવેદન

પાટીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વખતે બિહારની છઠપૂજાના આશીર્વાદ બિહારના વાસીઓને મળશે અને ત્યાં ભાજપની સરકાર બનશે. તેમણે કહ્યું કે દેશના તમામ રાજ્યોમાં વસતા બિહારવાસીઓ પોતાના રાજ્યને આગળ વધારવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને તેમનો સહયોગ મળશે. પોતાના વિરોધીઓ પર કટાક્ષ કરતાં પાટીલે કહ્યું કે, "બોલવાવાળા લોકો બોલે છે અને અમે કરીને બતાવીશું." તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ પોતે પણ આવતીકાલે સવારે બિહાર જઈ રહ્યા છે. પાટીલની આ હાજરી અને નિવેદન સૂચવે છે કે ભાજપ ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં વસતા બિહારના મતદારોને પણ સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે.

  • Follow us on: