સુરત શહેરમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ કમિશનર દ્વારા ચલાવવામાં આવી રહેલા 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને શહેરના યુવાધનને બરબાદ કરવા ફરી રહેલા બે ડ્રગ્સ પેડલરોને જીવલેણ મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધા છે.
MD ડ્રગ્સ સહિત ₹1.96 લાખનો મુદ્દામાલ કબજે
ક્રાઈમ બ્રાન્ચના જવાનોએ શંકાસ્પદ જણાતા બે ઇસમોને કોર્ડન કરીને તેમની તલાશી લેતાં તેમની પાસેથી પ્રતિબંધિત નશીલો પદાર્થ મળી આવ્યો હતો. આરોપીઓ પાસેથી 16.690 ગ્રામ શુદ્ધ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે ₹50,000 આંકવામાં આવી છે. નશાના પેકેટ બનાવી વેચવા માટે ઉપયોગમાં લેવાતો ડિજિટલ વજન કાંટો, અવરજવર માટે વપરાતું એક ઇલેક્ટ્રિક સ્કૂટર, રોકડા રૂપિયા તેમજ મોબાઈલ ફોન કબજે કરાયા છે.પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1,96,000 નો મુદ્દામાલ સીઝ કર્યો છે.
