વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત પીછેહઠ જોવા મળી રહી છે.આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં છેલ્લા 10 દિવસના ટૂંકા ગાળામાં 17 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.અગાઉ પ્રતિ બેરલ 114 ડોલરની સપાટીએ પહોંચેલા ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને હવે પ્રતિ બેરલ 95 ડોલર થઈ ગયા છે.કાચા તેલના ભાવમાં આવેલા આ મોટા કડાકાની સીધી અસર પોલિસ્ટર ઉદ્યોગ પર પડી છે.ક્રૂડ ઓઇલ સસ્તું થવાને પગલે પોલિએસ્ટર ઉદ્યોગ માટે જરૂરી કાચા માલના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે. આ સ્થિતિના લીધે પોલિએસ્ટર આધારિત ઉત્પાદનોના ભાવમાં તુરંત નરમાઈ આવી ગઈ છે.
પોલિએસ્ટર મેલ્ટમાં પ્રતિ કિલો રૂ.5નો સીધો ઘટાડો
ક્રૂડની કિંમતો તૂટવાને કારણે પોલિએસ્ટર મેલ્ટમાં પ્રતિ કિલો રૂ.5નો સીધો ઘટાડો નોંધાયો છે.કાપડ ઉદ્યોગમાં વપરાતા યાર્નના ભાવમાં પણ પ્રતિ કિલો રૂ.3નો ઘટાડો નોંધવામાં આવ્યો છે.આમ કાચા માલ અને યાર્ન એમ બંને મોરચે કિંમતો ઘટી છે.સુરતના કાપડ ઉદ્યોગમાં આ ઘટાડો ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ હાલના સંજોગોમાં તેની વાસ્તવિક અસર સીમિત રહી છે.હાલમાં દિવાળીના તહેવારોનો સમય છે અને સમગ્ર કાપડ બજારમાં દિવાળીની રજાઓ ચાલી રહી છે. આ દિવાળીની રજાઓ અને તહેવારના કારણે વીવરો દ્વારા યાર્ન તેમજ કાચા માલની નવી ખરીદી અટકાવી દેવામાં આવી છે.
