સુરત ખાતે નિર્માણ પામેલું વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ ચાર વર્ષ જેટલો લાંબો સમય વીતી જવા છતાં અપેક્ષા મુજબ પૂર્ણપણે ધમધમતું થઈ શક્યું નથી.હીરા ઉદ્યોગના વૈશ્વિક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થવાના ઉદ્દેશ સાથે તૈયાર કરાયેલું આ પરિસર હાલમાં એક સફેદ હાથી સમાન સાબિત થઈ રહ્યું છે.આ અતિ વિશાળ અને આધુનિક સંકુલમાં આવેલી કુલ 4500 જેટલી ઓફિસો પૈકી હાલના તબક્કે માત્ર 350 જેટલી જ ઓફિસો શરૂ થઈ શકી છે.ચાર વર્ષનો લાંબો સમયગાળો વીતી ચૂક્યો હોવા છતાં વિશાળ સંખ્યામાં ઓફિસો હજુ સુધી શરૂ ન થતાં સમગ્ર સંકુલમાં વ્યાપારિક ગતિવિધિઓ સાવ મંદ પડી ગઈ છે.
ગોવિંદ ધોળકિયાનો સભ્યોને પત્ર લખી સંદેશ
વિશ્વસ્તરીય સુવિધાઓ ધરાવતા આ પરિસરમાં હીરા વેપારીઓ સ્થળાંતર કરવામાં ધીમી ગતિ દાખવી રહ્યા હોવાથી પરિસરની સક્રિયતા સામે પ્રશ્નો ઊભા થયા છે.આ ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે પરિસરને ફરીથી ગતિશીલ અને વેગવંતુ બનાવવા માટે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદ ધોળકિયા આગળ આવ્યા છે.તેમણે એસડીબીના તમામ સભ્યોને મેસેજ દ્વારા એક મહત્વપૂર્ણ પત્ર પાઠવીને પરિસ્થિતિ થાળે પાડવા માટે પહેલ કરી છે.ગોવિંદ ધોળકિયાએ પોતાના આ પત્રથી સભ્યોમાં એકતા અને સહકારની ભાવના જગાડવાનો સુંદર પ્રયાસ કર્યો છે.તેમણે સભ્યોને ભાવુક અપીલ કરતાં પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે,એસડીબી એ આપણું પોતાનું રોકાણ છે આપણું ભાગ્ય છે.આપણું ગૌરવ છે અને આપણા સૌનું ભવિષ્ય છે.તેથી જ આ સંકુલને સફળ બનાવવાની નૈતિક જવાબદારી દરેક સભ્યની બને છે.
