સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં મોબાઈલ ફોનની લતે વધુ એક માસૂમ બાળકનો જીવ લીધો છે. પાલિકાની શાળા નંબર 331માં ધોરણ-7માં અભ્યાસ કરતા 13 વર્ષીય માસૂમ બાળકે પોતાના જ ઘરમાં પંખા સાથે લટકીને જીવન ટૂંકાવી લીધું હતું. મૂળ ઓડિશાના વતની એવા શ્રમજીવી પરિવારનો આ એકનો એક લાડકવાયો દીકરો સતત મોબાઈલમાં મશગૂલ રહેતો હતો. ઘટનાના દિવસે માતા-પિતાએ માત્ર તેને મોબાઈલ ફોન બાજુ પર મૂકીને હોમવર્ક કરી લેવાનું કહ્યું હતું. આ સામાન્ય સલાહ બાળકને અસહ્ય રીતે માઠું લાગી આવતાં તેણે આ ખોફનાક પગલું ભરી લીધું હતું.

સ્ક્રીન એડિક્શને લીધો માસૂમનો જીવ

પરિવારજનોના જણાવ્યા અનુસાર, બાળકને લાંબા સમયથી મોબાઈલની ઘેરી લત વળગી હતી, જેના કારણે તેના મગજ પર ગંભીર નકારાત્મક અસરો થઈ હતી. સતત ગેમિંગ અને સ્ક્રીન ટાઈમના કારણે તેનો સ્વભાવ અત્યંત જિદ્દી અને ગુસ્સાવાળો બની ગયો હતો. નાની-નાની બાબતોમાં ચીડાઈ જવું અને પોતાની વાત મનાવવા જિદ્દે ચડવું તેની આદત બની ગઈ હતી. હોમવર્ક કરવાની નાની ટકોર પણ તેને એટલી ગંભીર લાગી કે તેણે ક્ષણિક આવેશમાં આવીને ફાંસો ખાઈ લીધો. ઘટના બાદ એકના એક પુત્રને ગુમાવતાં પરિવારમાં આક્રંદ અને અરેરાટી વ્યાપી ગઈ છે.

ચોક બજાર પોલીસે તપાસ હાથ ધરી

ઘટના અંગે જાણ થતાં જ ચોક બજાર પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. માસૂમ બાળકના આ કરુણ અંતથી સમગ્ર સુરત શહેરમાં ભારે શોકની કાળી ડિબ છવાઈ ગઈ છે. આ કાળજું કંપાવી દેતી ઘટના બાદ મૃતકના પરિચિતો અને મનોવૈજ્ઞાનિકો દ્વારા તમામ વાલીઓને પોતાના બાળકોને ડિજિટલ લત અને મોબાઈલ સ્ક્રીનથી દૂર રાખવા તથા તેમના વર્તનમાં આવતા માનસિક બદલાવો પ્રત્યે વિશેષ જાગૃત રહેવા માટે કરુણ અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો