સુરત શહેર સાયબર ક્રાઈમ સેલ પોલીસને ઓનલાઈન ફ્રોડના એક મોટા નેટવર્કને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. સાયબર પોલીસે ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગના નામે રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનારા મુખ્ય આરોપી દિવ્યેશ સૂર્યકાંતભાઈ પટેલની ધરપકડ કરી છે. શાતિર આરોપીએ ફરિયાદીનો ટેલિગ્રામ પર સંપર્ક કરી એક બનાવટી વેબસાઈટની લિંક મોકલી હતી અને ક્રિપ્ટોમાં ઊંચા વળતરની લાલચ આપીને તેમની પાસેથી કુલ રૂપિયા 72,73,600 બારોબાર ટ્રાન્સફર કરાવી લીધા હતા.
ફરિયાદી પાસેથી રૂ. 72 લાખ પડાવી લીધા
આ ભયાનક છેતરપિંડીનો ભોગ બન્યા બાદ ફરિયાદીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પકડાયેલો આરોપી દિવ્યેશ માત્ર 2 ટકા જેટલા મામૂલી કમિશનની લાલચે પોતાના બેંક એકાઉન્ટની કીટ અન્ય મોટા સાયબર ગુનેગારોને વાપરવા આપતો હતો. પોલીસને આરોપીના આ બેંક એકાઉન્ટમાંથી ટૂંકા સમયમાં કુલ રૂપિયા 1.60 કરોડથી વધુના અત્યંત શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે.
