સુરતના ડુમસ સી-ફેસના મુલાકાતીઓએ હવેથી પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. સ્થાયી સમિતિ દ્વારા નવી પોલિસીને મંજૂરી આપવામાં આવી છે અને સોમવારે સામાન્ય સભાની અંતિમ મંજૂરી બાદ આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. રૂપિયા 175 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ડુમસ સી-ફેસના મેઈન્ટેનન્સ ખર્ચને પહોંચી વળવા તેમજ બિનજરૂરી ભીડને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવેશ ફીના નવા દરો જાહેર, 3 વર્ષ સુધીના બાળકોને મુક્તિ
નવી પોલિસી હેઠળ મુલાકાતીઓ માટે પ્રવેશ ફીના દરો નક્કી કરાયા છે, જેમાં 3 વર્ષ સુધીના બાળકો માટે પ્રવેશ નિશુલ્ક રહેશે. 3 થી 12 વર્ષ સુધીના બાળકો માટે રૂપિયા 10, 12 વર્ષથી વધુ વયના લોકો માટે રૂપિયા 20 અને 65 વર્ષથી વધુ વયના નાગરિકો માટે રૂપિયા 10 પ્રવેશ ફી નક્કી કરવામાં આવી છે.
