મુંબઈ અને ટેક્સટાઈલ હબ સુરત વચ્ચેના વ્યાપારિક સંબંધોનો ફાયદો ઉઠાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગ અને હાઈ-પ્રોફાઈલ તત્વો સામે સુરત પોલીસના ઇકો સેલે કડક સકંજો કસ્યો છે. મુંબઈના એક મહિલા આઈપીએસ (IPS) અધિકારીના પતિ પુરુષોત્તમ ચૌહાણ દ્વારા સુરતના કાપડના વેપારી સાથે રૂ. 2.15 કરોડની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઈ હતી.
IPSના પતિ પુરુષોત્તમ ચૌહાણની ધરપકડ
મળતી વિગતો અનુસાર, આરોપી પુરુષોત્તમ ચૌહાણે પોતાની પત્નીના આઈપીએસ હોવાના હોદ્દા અને સંબંધોની વગ બતાવીને સુરતના કાપડના વેપારીને વિશ્વાસમાં લીધો હતો. તેણે મુંબઈના અત્યંત મોંઘા અને હાર્ટ ઓફ ધ સિટી ગણાતા દાદર વિસ્તારમાં સરકારી ક્વોટા હેઠળ ઓછી કિંમતે ફ્લેટ અપાવવાની લાલચ આપી હતી. દાદરમાં સરકારી ફ્લેટ મળી જશે તેવી વાતોમાં આવીને સુરતના કાપડના વેપારીએ ટુકડે-ટુકડે કુલ રૂપિયા 2.15 કરોડ પુરુષોત્તમ ચૌહાણને ચૂકવી દીધા હતા.
આરોપી પુરુષોત્તમ ચૌહાણની ધરપકડ કરી
જોકે, લાંબો સમય વીતવા છતાં ન તો ફ્લેટ મળ્યો હતો ન તો આપેલી રકમ પરત મળી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં સુરતના ભોગ બનનાર વેપારીએ સુરત પોલીસ કમિશનર કચેરી હેઠળના ઇકો સેલમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ કેસ હાઈ-પ્રોફાઈલ હોવા છતાં સુરત ઇકો સેલની ટીમે તટસ્થ તપાસ આદરી હતી. આરોપી મુંબઈ હોવાથી તેની સામે કાયદાકીય કલમો હેઠળ મજબૂત પુરાવાઓ એકત્ર કરીને ટ્રાન્સફર વોરંટ મેળવવામાં આવ્યું હતું. ઇકો સેલની ટીમ મુંબઈ પહોંચી હતી અને આરોપી પુરુષોત્તમ ચૌહાણની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને સુરત લાવી છે. સુરત પોલીસ આરોપીના રિમાન્ડ મેળવીને આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ અને છેતરપિંડીની રકમ ક્યાં રોકવામાં આવી છે તે દિશામાં ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો: Surat: માનદરવાજામાં લાચાર વૃદ્ધા પર 30 વર્ષના નરાધમ ઇરફાન શેખે ગુજાર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીને દબોચી લીધો