સુરતમાં હીરા વેપારીઓ સાથે કરોડો રૂપિયાની આંતરરાષ્ટ્રીય ઠગાઈ આચરતી ગેંગ સામે સુરત પોલીસના ઇકો સેલે મોટી સફળતા મેળવી છે. યુએસએ (USA) ની પ્રખ્યાત ડાયમંડ કંપનીઓના બોગસ ખરીદદાર બનીને સુરતના વેપારીઓ સાથે 5.32 લાખ યુએસ ડોલર (કરોડો રૂપિયા) ના હીરા મંગાવી પેમેન્ટ ન આપવાના ગુનામાં આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનાની ધરપકડ કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય ઠગાઈ આચરતી ગેંગ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ હીરા ઉદ્યોગના જાણીતા પ્લેટફોર્મ 'રેપનેટ' પરથી સુરતના વેપારીઓ અને વિદેશી કંપનીઓના ડેટા મેળવી લેતી હતી. ત્યારબાદ વિદેશી કંપનીઓના નામે બોગસ પ્રોફાઈલ બનાવી સુરતના વેપારીઓનો સંપર્ક કરી વિશ્વાસઘાત કરતી હતી. આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો અને તેની ગેંગ વર્ચ્યુઅલ ગેટવે અને વિદેશી નંબરોના વર્ચ્યુઅલ વોટ્સએપ એકાઉન્ટથી વેપારીઓ સાથે ચેટિંગ કરતા હતા. 6 દિવસની અંદર પૂરેપૂરું પેમેન્ટ કરી દેવાની શરતે તેઓ હીરાનો જથ્થો દુબઈ અને હોંગકોંગ ખાતે મંગાવી લેતા હતા.
