રાજ્યમાં સતત વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય નાગરિકો માટે વીજળીના ક્ષેત્રે વધુ એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે.રાજ્યના નાગરિકો હાલમાં વિવિધ ક્ષેત્રે ભાવ વધારાનો આર્થિક બોજો વેઠી રહ્યા છે. ત્યારે હવે સરકારી વીજ વિતરણ કંપનીઓના વીજ ગ્રાહકોના માથે હવે એક વધુ ભાવ વધારો તાત્કાલિક અસરથી અમલી બન્યો છે. હવે મળનારા વીજ બિલમાં પાછળની અસરથી બાકી રકમ ફ્યુઅલ સરચાર્જ પેટે વસૂલવામાં આવશે.હવે વીજ ગ્રાહકોને એફપીપીએએસ પેટે વધુ નાણાં ચૂકવવા પડશે.

બેઝ દરમાં 15 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સહિતની વીજ વિતરણ કંપનીઓના વીજ ગ્રાહકો પર આર્થિક બોજ વધારી દેવામાં આવ્યો છે.વીજ કંપની દ્વારા ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ સરચાર્જના દરોમાં સુધારો કરીને બેઝ દરમાં 15 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.આ સાથે જ સૌથી મોટો ફેરફાર કરતાં વીજ વિતરણના ઈતિહાસમાં પ્રથમ વખત 3.99 ટકા લેખે વેરિયેબલ ચાર્જ ઉમેરવામાં આવ્યો છે.આ નવી ફોર્મ્યુલાના કારણે ગ્રાહકોના વીજબિલમાં પ્રતિ યુનિટ અંદાજે સરેરાશ 40થી 45 પૈસાનો વધારો જોવા મળશે. 

સુધારેલો દર 1લી જુલાઈથી લાગુ કરવાનો આદેશ

આ પરિપત્રની સૌથી ગંભીર બાબત એ છે કે આ સુધારેલો દર 1લી જુલાઈથી લાગુ કરવાનો આદેશ અપાયો છે.પરિણામે ગ્રાહકો જે વીજળી વાપરી ચૂક્યા છે તેના પર પણ આ વધારાનો ફ્યુઅલ ચાર્જ લાગશે.જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું બિલિંગ બાકી હોય કે નવા સાયકલમાં બિલ આવે ગ્રાહકોએ 1લી જુલાઈ પછીના તમામ વપરાશ પેટે વધારાના નાણાં ચૂકવવા પડશે.જેના કારણે આગામી બિલ સામાન્ય કરતાં ઘણું ઊંચું આવી શકે છે.જે વીજ ગ્રાહક મહિને 300 યુનિટનો વપરાશ કરે છે તેણે 125 રૂપિયા વધારે ચૂકવવા પડશે.જેમ વપરાશ વધુ તેમ બિલ ઊંચું આવી શકે છે.

યુનિટ દીઠ નિર્ધારિત રકમ જ વસૂલવામાં આવતી

અત્યાર સુધી વીજ કંપનીઓ દ્વારા FPPAS પેટે માત્ર યુનિટ દીઠ નિર્ધારિત રકમ જ વસૂલવામાં આવતી હતી.અગાઉ આ દર પ્રતિ યુનિટ રૂપિયા 2.30 હતો.જેને વધારીને હવે રૂપિયા 2.45 પ્રતિ યુનિટ કરવામાં આવ્યો છે.પરંતુ આ વખતે વીજ નિયમન પંચના ટેરિફ ઓર્ડર મુજબ પ્રથમ વખત 3.99 ટકાનો વધારાનો વેરિયેબલ FPPAS ચાર્જ અમલમાં મુકાયો છે. આ વેરિયેબલ ચાર્જ માત્ર વપરાશ પર જ નહીં, પરંતુ ગ્રાહકના એનર્જી ચાર્જ, બેઝ FPPAS અને ફિક્સ્ડ કે ડિમાન્ડ ચાર્જ આ ત્રણેયના કુલ સરવાળા પર 3.99 ટકા લેખે વસૂલવામાં આવશે.ઈડી ચાર્જને બાદ કરતા સમગ્ર બિલ પર 3.99 ટકા લેખે વેરિયેબલ ચાર્જ વસૂલાશે. એકસેસ ડિમાન્ડ કે પેનલ્ટી પર આ લાગુ નહીં થાય.

સમીક્ષા કરીને આ ભાર ગ્રાહકો પર નાખવામાં આવે છે

આ નવી જટિલ ગણતરીના કારણે સરવાળે ગ્રાહકને પ્રતિ યુનિટ 40થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ વેઠવો પડશે.વીજળી ઉત્પાદન પ્રક્રિયામાં મુખ્યત્વે કોલસો, કુદરતી ગેસ અને અન્ય ઈંધણનો ઉપયોગ મોટા પાયે થાય છે.છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક બજારોમાં કોલસા અને કુદરતી ગેસના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે.વીજ ઉત્પાદન મથકોમાં ઉત્પાદન ખર્ચ વધતા વીજ વિતરણ કંપનીઓએ ઊંચા ભાવે પાવર પરચેઝ કરવી પડી રહી છે.આ વધારાના ખર્ચની ભરપાઈ કરવા માટે દર ત્રણ મહિને FPPASની સમીક્ષા કરીને આ ભાર ગ્રાહકો પર નાખવામાં આવે છે.

આ પણ વાંચોઃ Rajkot News: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા સહિત ચાલ લોકો સામે મહિલા પોલીસ કર્મીએ ફરિયાદ નોંધાવી