સુરતમાં દિવસેને દિવસે રોગચાળો વકરી રહ્યો છે. લિંબાયત અને પાંડેસરા જેવા વિસ્તારોમાં તાવના કારણે એક બાળકી સહિત બે વ્યક્તિના કરુણ મોત થયા છે, જેના કારણે આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. આ ઘટનાઓએ શહેરમાં ફેલાઈ રહેલા ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય વાયરલ રોગોની ગંભીરતા દર્શાવી છે.

10 વર્ષની બાળકીનું મોત


પહેલી ઘટના લિંબાયત વિસ્તારમાં બની છે. અહીં રહેતી એક 10 વર્ષીય બાળકીને છેલ્લા બે દિવસથી તાવ, ઝાડા અને ઉલટી થઈ રહી હતી. પરિવારે સ્થાનિક દવાખાનામાં તેની સારવાર કરાવી હતી. પરંતુ ગતરોજ તેની તબિયત ફરી લથડતા તે બેભાન થઈ ગઈ હતી. તાત્કાલિક તેને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

30 વર્ષીય યુવકનું મોત


બીજી ઘટના પાંડેસરાના પુનિતનગર વિસ્તારમાં બની છે. 30 વર્ષીય નિલુ શાહુ નામના મજૂરને છેલ્લા ચાર દિવસથી તાવ આવતો હતો. ગતરોજ તેમની તબિયત વધુ લથડતાં તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને પણ મૃત જાહેર કર્યા હતા.

તંત્રની કામગીરી પર સવાલો 


આ બંને ઘટનાઓએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. શહેરમાં ચોમાસા બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, છતાં આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવાતા નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. લોકોમાં જાગૃતિ લાવવા અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે નક્કર પગલાં લેવાની તાતી જરૂર છે. આ ઘટનાઓએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે બેદરકારી ગંભીર પરિણામો લાવી શકે છે.
  • Follow us on: