સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા સાંપડી છે. વર્ષ 2008માં સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલી ભયાનક હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને લાંબા સમયથી ફરાર આરોપી કેદી રાકેશ ઉર્ફે જાલીમસીંહ શાહુને ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાગપુર પાસેથી ઝડપી પાડ્યો છે. ગંભીર ગુનામાં સજા કાપી રહેલો આ કેદી પોલીસને સતત ચકમો આપીને નાસતો ફરતો હતો, જેને આખરે સુરત પોલીસે શોધી કાઢ્યો છે.

14 દિવસના જામીન પર છૂટીને થયો હતો ફરાર

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપી કેદી રાકેશ શાહુ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. દરમિયાન 11 ઓગસ્ટ 2021ના રોજ તેને 14 દિવસના પેરોલ (જામીન) પર મુક્ત કરવામાં આવ્યો હતો. જામીનની મુદ્દત પૂર્ણ થયા બાદ તેને સમયસર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થવાને બદલે જેલ તંત્રની આંખમાં ધૂળ નાખીને ફરાર થઈ ગયો હતો. તે નાગપુર જઈને વેશપલટો કરી ઓળખ છુપાવીને પાણીપુરીની લારી (ઠેલો) ચલાવી રહ્યો હતો.

આરોપીને જેલહવાલે કરવાની તજવીજ શરૂ

લાંબા સમયથી ફરાર આ કેદી અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે એક ખાસ ટીમ મહારાષ્ટ્રના નાગપુર મોકલીને તેને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી કેદીનો કબજો મેળવ્યા બાદ હાલ સુરત પોલીસ દ્વારા તેને વિધિવત રીતે સુરત લાજપોર મધ્યસ્થ જેલને સોંપવાની કાનૂની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો